SURAT

સુરત: કાપોદ્રામાંથી મહિલા સંચાલિત જુગારધામ પકડાયું, આટલી મહિલાઓની અટકાયત

સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં મહિલા (Women) સંચાલિત જુગારધામ પર આજે પોલીસે (Police) રેડ પાડી અનેક મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં જુગારધામ રેખા નામની મહિલા ચલાવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તાર માં રૂસ્તમ બાગ સોસાયટી નજીક આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારધામ ચાલતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પૂર્વ આયોજિત આયોજન કરી દરોડા પાડવામાં આવ્યા હતા. જયાંથી 7 મહિલા જુગાર રમતા રંગે હાથે ઝડપાઇ ગઈ હતી. તપાસમાં રેખા નામની મહિલા જુગારધામ ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. આ જુગારધામમાં માત્ર મહિલાઓ ને જ પ્રવેશ અપાતો હતો. સુરત કન્ટ્રોલ રૂમ ને કોલ મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતાં.

વધુમાં જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસ ટીમેં સોસાયટીમા રેખા નામની મહિલા ને ત્યાં છાપો મારતા તિન પટ્ટીનો ગંજી પાનાનો જુગાર રમતી સાત મહિલા રંગેહાથે ઝડપાય ગઈ હતી. હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એટલું જ નહીં પણ જુગારધામ હાલમાં જ શરૂ કર્યો હોવાનું અને પકડાયેલી તમામ મહિલાઓ હાઉસ વાઈફ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે રેખાની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ એક પારિવારિક સોસાયટી છે જેમાં મહિલાઓ અને બાળકો પણ રહે છે. તમામ પરિવાર નોકરિયાત વર્ગ ના છે. અહીંયા જુગારધામ શરૂ કરવો એટલે સોસાયટીની મહિલાઓ ને ગેરમાર્ગે દોરવાનું કામ કરાઈ રહ્યું હતું. સોસાયટીવાસીઓ એ આંદોઅંદર આનો વિરોધ પણ કર્યો હતો. જોકે રેખા નામની મહિલાએ નજર અંદાજ કરતા આખરે સોસાયટીવાસીઓ પોલિસ ની મદદ લેવાનો વારો આવ્યો હોવાની વાત સામે આવે છે. હાલ આખી સોસાયટીમાં ચર્ચાનો વિષય છે. લગભગ તમામ ઘરોમાં પુરુષો પણ ચોંકી ગયા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. અને જુગાર રમતા પકડાયેલી મહિલાઓને જામીન પર છોડી દેવાઈ છે.

Most Popular

To Top