કામરેજ: સુરતના (Surat) કામરેજ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન કરિયાણાની દુકાન (Shop) ચલાવે છે. દુકાનના માધ્યમથી જ દિવ્યાંગ યુવાનનું ઘર ચાલે છે. પરંતુ ગત રોજ ત્રણ અજાણ્યા ઇસમોએ દુકાનદાર સાથે વાતચીત કરી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો (Robbery) પ્રયાસ કર્યો હતો. પરંતુ દિવ્યાંગ દુુકાનદારે હિંમત કરી બાજુમાં કામ કરતા તેમના દિકરાઓને બોલાવી ત્રણેય ઈસમોને પકડી પાડ્યા હતા.
વાવ એસઆરઆપીએફ ગૃપ 11ની બાજુમાં ગામમાં રહેતા કરિયાણાની દુકાન ચલાવતાં દિવ્યાંગ યુવાનની આંખમાં મરચાની ભુકી નાંખી તેના ગળામાં પહેરલી સોનાની ચેઈન લુંટવા જતાં ત્રણ શખ્સો પકડાઈ ગયા હતા. કામરેજ તાલુકાના વાવ ગામે ભાલીયાવાડમાં રહેતા રમેશભાઈ નાથુભાઈ ભાલીયા (ઉ.વર્ષ48) દિવ્યાંગ છે. તેઓ નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા એસઆઈપીએફ ગૃપ 11ની બાજુમાં ખોડીયાર કૃપા કરિયાણા તેમજ પાન મસાલાની દુકાન ચલાવે છે. શનિવારે સાંજે 5 વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં વસ્તુ ખરીદવાના બહાને આવી રમેશભાઈની આંખમાં મરચાની ભુકી નાંખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચવા જતાં ચેઈન તૂટી ગઈ હતી. ચેઈનનું પેન્ડન્ટ દુકાનમાં પડી ગયું હતું. પરંતુ રમેશભાઈએ હિંમત રાખી ચેઈન આંગળીમાં વીટીને પકડી રાખીને બુમા બુમ કરતા નજીકમાંથી બન્ને પુત્ર મહેશ અને ધર્મેશ સહિત અન્ય લોકો પણ મદદે દોડી આવ્યા હતાં.
ત્રણ પૈકી બે લૂટારા મુકેશસિંહ ફતેસિંહ પઢિયાર (હાલ રહે. કોપરખન્ના, સેકટર19 મુંબઈ મહારાષ્ટ્ર, મુળ રહે.ઉમરવાસ, તા.કુંભલગઢ, જી.રાજસંમદ, રાજસ્થાન), લક્ષ્મણ ગોરધન સેન હાલ (રહે.કબનપાર્ક ગાર્ડનની બાજુમાં ઝુમ્મા મસ્જીદ રોડ, બેંગ્લોર, મુળ રહે.સાતીયા, તા.કુભલગઢ, જી.રાજસમદ, રાજસ્થાન) પકડાઈ ગયા હતા. જ્યારે ત્રીજો લૂટારૂ નારાયણસિંહ રણસિંહ રાજપુત (રહે.ઉઝા ગંજ બજાર, જી.મહેસાણા, મુળ રહે. ચારભુજા ,તા.કુભલગઢ, જી.રાજસંમદ,રાજસ્થાન) હાઈવે પર ભાગવા જતા થોડે દુર પડી જતા તે પણ પકડાઈ ગયો હતો. પકડાઈ ગયેલા ત્રણેય ઈસમને કામરેજ પોલીસને સોંપ્યા હતા. રમેશભાઈ નીચે પટકાતા તેમને સારવાર માટે 108માં ખોલવડની દિનબંધુ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્રણેય ઈસમ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરમાં રૂ.10 લાખથી વધુના ટાયર-ટ્યુબની ચોરીમાં સુરતના 3 શખ્સો પકડાયા
અંકલેશ્વર: ઉત્તરપ્રદેશનો ટ્રક ચાલક રમેશલાલ યાદવ અને ક્લીનર ગત તારીખ 25મી જાન્યુઆરીએ બોમ્બે હરિયાણા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટનું કન્ટેનર લઈ તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલી એમ.આર.એફ કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર અને ટ્યુબ મળી 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યા હતા. આ ટ્રક અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઇવેની બાજુમાં સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાંનો તમામ સામાન સગેવગે થયો હોવાનું માલૂમ પડ્યું હતું. જે અંગે શહેર પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સામે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલામાં પોલીસે ટાયરો ખરીદનાર સુરતમાં રહેતા મુકેશ વણઝારા, શંકર વણઝારા અને લાખા વણઝારાની ધરપકડ કરી છે અને તેઓ પાસેથી 114 નંગ ટાયર કબ્જે કરી ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.