સુરત (Surat): ભટાર ખાતે રહેતી વૃદ્ધાને (Old Women) ‘બાઈક સવાર તમારો પીછો કરે છે, તમારા દાગીના લઈ લેશે’ કહીને રીક્ષા ચાલકે (Auto Driver) વૃદ્ધા પાસેના દાગીના (Jewelry ) લઈને ભાગી જતા ખટોદરામાં 1.12 લાખના દાગીના ઉતરાવી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ પાંચેક દિવસ અગાઉ ભટાર ખાતે કેબીષા એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય સુખીદેવી જૈન કાપડીયા હેલ્થ ક્લબ નજીક ઉભા હતા. ત્યારે રીક્ષામાં આવેલા વ્યક્તિએ વૃદ્ધાને જણાવ્યુ હતુ કે બે અજાણ્યા બાઈક લઈને આગળ ઉભા છે. તમારા દાગીના ઉતરાવી લેશે, ચાલો હું તમને ઘરે છોડી દઇશ. એમ કહી વિશ્વાસ કેળવી રીક્ષામાં બેસાડી ચાલુ રીક્ષામાં બાઇક સવાર હજી પણ પીછો કરે છે. એમ કહી સોનાની ચેઇન અને કંગન ઉતરાવી લીધા હતા. ખટોદરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન એલસીબી ઝોન 3 એ બાતમીના આધારે ઉધના-મગદલ્લા રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી સાહીનબી અહેમદ સૈયદ (ઉ.વ.32, રહે. સંજયનગર, નવા કમેલા, રીંગરોડ), સુશિલા ઉર્ફે મીના અમર ચૌધરી (ઉ.વ.58, રહે. જીવનજ્યોત નગર, ઉધના મેઇન રોડ) અને હુસૈન ઉર્ફે લમ્બુ ભીકન શેખ (ઉ.વ.22, રહે. ખ્વાજાનગર, માન દરવાજાની પાછળ, રીંગરોડ) ને ઝડપી પાડ્યા હતા. જે પૈકી સાહીનબી પાસેથી 75 હજારની કિંમતની સોનાની ચેઇન અને હુસૈન પાસેથી 65 હજારની કિમતની બાઇક (જીજે-5-કેવાય-0539) મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
38 લાખની ઠગાઇમાં 9-સ્ટાર લાઇફ સંચાલકના જામીન નામંજૂર કરાયા
સુરત : રૂા.11 હજારની સામે 45 દિવસમાં જ 48 હજાર રીટર્ન આપવાની લાલચે રૂા..38 લાખની ઠગાઇ કરનાર 9-સ્ટારલાઇફ કંપનીના સંચાલકના જામીન નામંજૂર કરાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી નવાગામ પાસે શ્રીનાથજી નગરમાં રહેતા રાજેન્દ્ર કિશન તેમની પત્ની કવિતાએ 9-સ્ટારલાઇફ કંપની શરૂ કરી હતી. લોકોને રૂા.11 હજારની એક આઇડી બનાવવા ઉપર 45 દિવસમાં 48450 મળશે. તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેમાં કુલ્લે 384 લોકોએ રૂા. 43.12 લાખ જમા કરાવ્યા હતા. જેની સામે રાજેન્દ્ર અને તેની પત્નીએ માત્ર રૂા. 4.66 લાખ જ પરત આપ્યા હતા અને બાકીના રૂા. 38.45 લાખ પરત આપ્યા ન હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી રાજેન્દ્ર કિશનની ધરપકડ કરી હતી. જામીન મુક્ત થવા માટે રાજેન્દ્રએ કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરીને જામીન નામંજૂર કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ રાજેન્દ્રના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.