SURAT

સુરતના ઈચ્છાપોર ખાતે બનનારા વિશ્વના સૌથી મોટા જ્વેલરી મોલમાં શોરૂમ લેવા માટે અધધ જ્વેલર્સ ઉમટ્યાં

સુરત: (Surat) સુરતના ઇચ્છાપોર જેમ એન્ડ જવેલરી પાર્કમાં (Jewelry Park) ગુજરાત હિરાબુર્સ દ્વારા ડિનોટીફાઇડ થયેલી જમીનમાં વિશ્વના સૌથી મોટા જવેલરી મોલ (Jewelry Mall) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આજે મુંબઇ, દિલ્હી, ચૈન્નઇ, અમદાવાદ, રાજકોટ, કોલકત્તા, હૈદરાબાદ સહિત દેશભરમાંથી ૮૫૦ જેટલા જવેલર્સ ઉમટી પડતા બુર્સ કમિટિએ પ્રથમ દિવસે જ શોરૂમ રાખવા માંગતા જવેલર્સોને ૫૦૦ ફોર્મ વિતરણ કર્યા હતા. મોટી સંખ્યામાં જવેલર્સ ઉમટી પડતા બુર્સ કમિટીએ પ્રારંભમાં જવેલર્સને ફોર્મમાં શોરૂમ માટેની જગ્યા સ્કવેર ફુટમાં લખવા જણાવ્યું હતું.

કમિટિ રદ ડ્રાફટ પ્રમાણે ૨૦ ફુટ પહોળા અને ૪૦ ફુટ લાંબા શોરૂમનું આયોજન કરી રહી છે. જોકે પ્રથમ દિવસે સાઇટ વિઝીટમાં મોટી સંખ્યામાં જવેલર્સ ઉમટી પડતા તેમની પાસે પણ ઇન્ટરનેશનલ લેવલના મોલ માટે સૂચન મંગાવવામાં આવ્યા છે. ગુજરાત હિરાબુર્સના એમડી નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, અત્યારે કોઇ જવેલર્સ પાસે એડવાન્સ લેવામાં આવશે નહિ. માત્ર તેમની જરૂરીયાત જાણવામાં આવી છે. મોલમાં ૪ માળના જુદા જુદા બિલ્ડીંગ હશે. અને દરેકની કિંમત જુદી રાખવામાં આવશે. ૨૦૨૫ સુધીમાં આ જવેલરી મોલનું કામ પૂર્ણ થશે. જે ફોર્મ ભરાઇને આવશે તેની સ્ક્રુટીની ગુજરાત હિરાબુર્સ અને જુદાજુદા એસોસિએશન ભેગા મળી નકકી કરશે.

એક ફલોર પર વધુ દાવેદારો હશે તો ચિઠ્ઠી ઉછાળી ડ્રો કરવામાં આવશે. એલોટમેન્ટ માટે કમિટી બનાવવામાં આવશે. એટલું જ નહિ જેજેઇપીસી જવેલરી પાર્કમાં ૨૦૦ કરોડના ખર્ચે કોમન ફેસિલીટી સેન્ટર તૈયાર કરશે. જેજેઇપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ સાવળિયાએ જણાવ્યું હતું કે, કાઉન્સિલની તેના સજેશન રજૂ કર્યા છે. જેમ એન્ડ જવેલરી સેકટર સાથે સંકળાયેલા લોકોને સ્ટોક વિતરણ કરાશે. ફોર્મ ફરનારે ફરજીયાત રજીસ્ટ્રેશન નંબર લેવો પડશે. ૨૦ ડિસેમ્બર સુધી જવેલર્સ ફોર્મ ભરી શકશે. નહિ નફો નહિ નુકસાનના ધોરણે જવેલરી મોલમાં દુકાનો મળી રહેશે. પ્રારંભિક તબકકે જવેલર્સે શોપ વેચાણના હકક મળશે નહિ. નાના જવેલર્સ ડિમાંડ કરશે તો તેમના માટે અલગ બિલ્ડીંગ બનાવવામાં આવશે. અથવા કોઇ જવેલર્સને વધુ જગ્યા જોઇતી હશે તો તેની નોંધણી અલગથી કરાશે.

વિશ્વના સૌથી મોટા જવેલરી મોલમાં આ સુવિધા થશે
કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ, બિઝનેસ રૂમ, રેસ્ટોરન્ટ, આંગડીયા ઓફિસ, બેંક, સેફ ડિપોઝીટ વોલ્ટ, કુરિયર ઓફિસ, કેન્ટિંગ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા સહિત હાઇ સિકયુરીટીની વ્યવસ્થા રાખવામાં આવશે.

Most Popular

To Top