SURAT

હવે જનઔષધિ કેન્દ્રોમાં દવાની ઘટ નહીં પડે, સુરતના આ વિસ્તારમાં દેશનું સૌથી મોટું વેરહાઉસ શરૂ કરાયું

સુરત: (Surat) સરકાર જન ઔષધિને (JanAushadhi) વધારે પ્રાધાન્ય આપી રહી છે ત્યારે લોકોને સસ્તી દવાઓ ઝડપી ઉપલબ્ધ થાય તે માટે ભારતમાં ગુડગાવ, ગૌહાતી, ચૈન્નાઈ પછી સુરતના ઈચ્છાપોરમાં ચોથુ સૌથી મોટું જન ઔષધી વેરહાઉસનું (Ware House) નિર્માણ કરાયું છે. આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી (Central Health Minister) મનસુખ માંડવિયાના (Mansukh Mandaviya) હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું.

  • પશ્વિમ ભારતમાં જન ઔષધિ ઝડપી પહોંચે તે માટે ઇચ્છાપોરમાં વેર હાઉસ શરૂ કરાયું
  • ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશને લાભ થશે : મનસુખ માંડવિયા

ભારત સરકારની પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે સુરતની ઈચ્છાપોર જી.આઈ.ડી.સી. ખાતે ભારતના રીઝનલ વેસ્ટ ઝોનના પ્રથમ ‘વેર હાઉસ’નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશવાસીઓને જન ઔષધિ કેન્દ્રોના માધ્યમથી સસ્તી, સારી અને ગુણવત્તાયુકત જેનેરીક દવાઓ સમયસર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. ભારતમાં ૮૬૦૦ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જે મારફતે દૈનિક ૨૦ લાખ લોકોને દવાઓ મળી રહી છે. ભારત એટલે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા ભારતના પશ્વિમ રાજયોના જનઔષધિ કેન્દ્રોમાં દવાઓ ઝડપભેર પહોંચે તે માટે આ વેરહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દવાઓ કાયમી ધોરણે લેવાની હોય તે દવાઓ જનઔષધિના માધ્યમથી સસ્તા દરે ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી પહોંચી રહી છે.

પશ્વિમ ભારતમાં હાલ 2 હજાર જન ઔષધિ કેન્દ્રો
એસ.સી,એસ.ટી. સમાજના લોકો, મહિલાઓ, દિવ્યાંગોને જનઔષધિ કેન્દ્ર ખોલવા માટે બે લાખ સુધીની સહાય આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વેસ્ટ ઝોનના રાજયોને મેડિસીનનો જથ્થો આ વેર હાઉસ ખાતેથી ઉપલબ્ધ થશે. વેસ્ટ ઝોન હેઠળ ૨૦૦૦ જન ઔષધિ કેન્દ્રો હાલમાં કાર્યરત છે.

સુરત આવનાર વર્ષોમાં મેડિકલ હબ બનશે
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરતને આવનાર વર્ષોમાં મેડિકલ હબ બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. આ વર્ષના બજેટમાં વૃદ્ધોને ઘરે જઈને સારવાર મળે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. સરકાર આરોગ્યલક્ષી સેવાઓમાં વિશેષ ધ્યાન આપી રહી છે.

Most Popular

To Top