SURAT

શહેરમાં રાજ્યના કેબીનેટ મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ભવ્ય રેલી, ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા

સુરત: (Surat) રાજ્યના નવા મંત્રી મંડળના મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓને પક્ષ દ્વારા પોત પોતાના વિસ્તારમાં ‘જન આશીર્વાદયાત્રા’ (Jan Ashirvad Yatra) યોજીને લોકો વચ્ચે જવાનો આદેશ કરાયો હોય અગાઉ શહેરમાં સાંસદ દર્શના જરદોષ અને મંત્રી વિનોદ મોરડિયાની યાત્રા યોજાઇ ચૂકી છે. ત્યારે હવે રવિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની (Purnesh Modi) જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ઉમળકાભેર મંત્રીઓનું સ્વાગત થયું હતું. પરંતુ રવિવારે શહેરીજનો પણ બહાર ફરવા નીકળ્યા હોય અને બે મંત્રીઓની રેલીને કારણે ઠેર-ઠેર ટ્રાફિક (Traffic) જામના દ્રશ્યો સર્જાયા હતાં. મંત્રીઓની રેલીને કારણે જ્યાં જ્યાંથી રેલી પસાર થઈ તે રોડ આમ જનતા માટે બંધ કરી દેવાતા લોકોને બીઆરટીએસ લેનમાં વાહનો ચલાવવાની ફરજ પડી હતી.

કેબિનેટ મંત્રી (માર્ગ અને મકાન, વાહન વ્યવહાર) પૂર્ણેશ મોદીની ‌જન આશીર્વાદ યાત્રાનું આયોજન પશ્વિમ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જે સુરત રેલવે સ્ટેશન ખાતેથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સારોલી વેલકમગેટથી સવારે શરૂ થઈ હતી, અને નવયુગ કોલેજ સહિતના વિસ્તારોમાંથી યાત્રા પસાર થઇને અડાજણ પાટિયા જલારામ નગર ખાતે યાત્રાનું સમાપન થયું હતું. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીની યાત્રા સાંજના 4 કલાકે પીપલોદ, કારગીલ ચોક પાસેથી રેલીનો પ્રારંભ થયો હતો.

ત્યારબાદ ઇચ્છાનાથ, સરગમ શોપીંગ સેન્ટર, ઇચ્છાનાથ મહાદેવ, સરકીટ હાઉસ, ગોકુલમ ડેરી, રામ ચોક, સિટીલાઇટ અશોક પાન સેન્ટર, પનાસ ગામ, અલથાણ ગાર્ડન અને ત્યારબાદ અલથાણ ખાતે આવેલા સોહમ કોમ્યુનિટી હોલ પાસે યાત્રાનું સમાપન થયું હતું. હર્ષ સંઘવીનું 36 પોઈન્ટ પર વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાંદેર ઝોનમાં પણ કાર્યકર્તાઓએ ભગવા કલરથી સર્કલો અને ડિવાઈડરોમાં સજાવટ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ હતું. તેમજ મેયર હેમાલી બોઘાવાલા પુર્ણેશ મોદીની રેલીમાં જોડાયા હતાં.

Most Popular

To Top