સુરત: સુરત (Surat) જહાંગીરપુરા વિસ્તારમાં 10 માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયેલી યુવતી બાદ ગળું કપાયેલી હાલતમાં યુવક મળી આવતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. ઇન્સ્ટાગ્રામથી (Instagram) સંપર્કમાં આવેલ યુવતી જોડે મિત્રતા કેળવવી યુવકને ભારે પડી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલી યુવતીને ઘરે બોલાવ્યા બાદ યુવતીએ જીવલેણ હુમલો કર્યો હોવાનું ઇજાગ્રસ્ત યુવકે સારવાર દરમિયાન કહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
- યુવકે કહ્યું ઇન્સ્ટાગ્રામથી મિત્રતા બની, ઘરે બોલાવ્યા બાદ યુવતીએ હુમલો કરી 10 માળેથી છલાંગ મારી દીધી
- ઇજાગ્રસ્ત યુવકને પોલીસ સિવિલના ઓપરેશન થિયેટરમાંથી ચાલુ સારવારે ઉપાડી ગઈ
એટલું જ નહીં પણ હુમલા બાદ યુવતી દસમા માળેથી જાતે કૂદીને આપઘાત કર્યો હોવાનું યુવકે જણાવ્યું છે. જહાંગીરપુરાના સુમન વંદના આવાસમાં બનેલી અજીબો ગરીબ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે સિવિલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહને પોલીસ ચાલુ સારવારે ઓપરેશન થિયેટરમાંથી ઉપાડી જતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે યુવકનું ગળું કપાયું હતું. જહાંગીરપુરા પોલીસને આ બાબતે જાણ કરાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક અને યુવતીના દોઢ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. જોકે કોઈ કારણ સર તૂટી ગયા બાદ પણ બન્ને એકબીજા ના સંપર્કમાં હતા. ત્યારબાદ યુવકના બીજે લગ્ન થઈ ગયા હતા. દરમિયાન આજે યુવકે આ યુવતી ને મળવા બોલાવી હતી. કોઈ કારણ સર બન્ને વચ્ચે ઝગડો થતા ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં યુવકને ગળા અને કમરના ભાગે ચપ્પુ વાગી ગયું હતું. ત્યારે જ યુવતી ને ધક્કો લાગતા યુવતી 10 મા માળેથી નીચે પડી ગઈ હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.