સુરત(Surat) : કોઈ પણ સંજોગોમાં સ્કૂલ સંચાલકો બોર્ડના વિદ્યાર્થીઓની (Board Students) હોલ ટિકિટ (Hall Ticket) અટકાવી શકે નહીં તેવો સ્પષ્ટ નિયમ હોવા છતાં સુરતની એક સ્કૂલે એક સત્રની ફી બાકી હોય ધો. 10ની વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવી દઈ તેણીનું ભવિષ્ય જોખમમાં મુક્યાની ઘટના બની છે.
સુરતના વેલંજા (Velanja) વિસ્તારમાં આવેલી જેવી ઈન્ટરનેશનલ સ્કૂલની (JV International School) આ ઘટના છે. વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા જમીન દલાલ મનીષ સાવલીયાની દીકરી પૃથ્વી મનીષ સાવલીયા આ સ્કૂલમાં ધો. 10માં ભણે છે. આગામી તા. 11મી માર્ચથી પૃથ્વીની બોર્ડની પરીક્ષા (Board Exam) છે. તેથી વિદ્યાર્થીની પોતાની માતા સાથે સ્કૂલ પર અન્ય વિદ્યાર્થીઓ સાથે હોલ ટિકિટ લેવા પહોંચી હતી. જોકે, સ્કૂલમાં તેણીને કડવો અનુભવ થયો હતો.
વાત એમ છે કે પૃથ્વીની પાછલા એક સત્રની ફી ભરવાની બાકી હોય સ્કૂલના સંચાલકોએ પહેલાં ફી ભરો પછી હોલ ટિકિટ મળશે તેવું સ્પષ્ટ સંભળાવી દીધું હતું. પિતા વતન ગયા હોય પરત આવશે ત્યારે ભરી દેશે, હાલ હોલ ટિકિટ આપી દો, એવી વિદ્યાર્થીનીની માતાએ સ્કૂલ સંચાલકોને વિનંતી કરી હતી, પરંતુ તે સ્કૂલ સંચાલકોએ સ્વીકારી નહોતી અને ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે એવું ચોખ્ખું ચોપડાવી દીધું હતું.
આમ, જેવી ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમ-કાયદાની ઐસીતૈસી કરી વિદ્યાર્થીના માતા-પિતા પાસે ફીની પઠાણી ઉઘરાણી કરી હતી. હોલ ટિકિટ વિના વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપી શકે તેમ નથી તે જાણતા હોય સ્કૂલ સંચાલકોએ નાક દબાવ્યું હતું. પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત વિદ્યાર્થીનીને હેરાન કરવાની સ્કૂલ સંચાલકોની વૃત્તિની ચારેકોર નિંદા થઈ રહી છે.
દરમિયાન વિદ્યાર્થીના પિતા મનીષ સાવલીયાએ કહ્યું કે, આ ખોટું છે. હું ગામડે હોવાથી સમયસર ફી ભરી શક્યો નથી. પરંતુ તેના લીધે હોલ ટિકિટ અટકાવી દેવી તે કાયદાની વિરુદ્ધ છે. હું ફી ભરવા તૈયાર છું પરંતુ સ્કૂલ આવી દાદાગીરી કરી શકે નહીં. હું આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીશ.
આ મામલે જેવી ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ હોય વાત થઈ શકી નહોતી. બીજી તરફ ડીઈઓ પણ મિટિંગમાં હોવાના લીધે સંપર્ક સાધી શકાયો નહોતો.