SURAT

IT RAID: ધાનેરા ડાયમંડ અને ભાવના જેમ્સને આ ભૂલ ભારે પડી ગઈ

સુરત : આવકવેરા વિભાગની (Income Tax) ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરતમાં (Surat) 5 દિવસ સુધી રાત-દિવસ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં (Search Operation) અધિકારીઓને 4 રૂમ ભરાય એટલા મોટા જથ્થામાં ડોક્યુમેન્ટ સામગ્રી મળી આવી છે. સુરતની બે ડાયમંડ કંપનીઓ, બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં 5 દિવસની મેરેથોન તપાસ પછી સર્ચ કાર્યવાહી આટોપાઈ છે. કુલ 1800 કરોડના જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટમાં રિટર્નમાં નહીં દર્શાવેલા સોદા, પ્રોપર્ટીનો ખુલાસો મંગાશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

  • 1800 કરોડના જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટમાં રિટર્નમાં નહીં દર્શાવેલા સોદા, પ્રોપર્ટીનો ખુલાસો મંગાશે
  • 5 દિવસના સર્ચમાં 20 કરોડની જવેલરી-રોકડ,બેન્ક લોકરો,સેફ ડિપોઝીટ વોલ્ટના લોકરો સીઝ કરાયા
  • ડાયમંડ કંપનીઓ,બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં 5 દિવસની મેરેથોન તપાસ પછી સર્ચ કાર્યવાહી આટોપાઈ

સતત 5 દિવસના સર્ચમાં 20 કરોડની જવેલરી-રોકડ,બેન્ક લોકરો,સેફ ડિપોઝીટ વોલ્ટના લોકરો સિઝ કરાયા છે. મોડી રાત્રે ડાયમંડ પેઢીઓના માલિકોના ઘરે ચાલી રહેલી તપાસ આટોપી લેવાઈ હતી. સર્ચમાં જે ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે તેનું હવે વેરિફિકેશન થશે. વિભાગ એપપ્રાઇઝર રિપોર્ટ તૈયાર કરી સેન્ટ્રલ સર્કલમાં મોકલશે ત્યાં તેનું એસેસમેન્ટ થશે. એટલે કે આખી પ્રક્રિયામાં મહિનાઓ નીકળી શકે છે. એમ આવકવેરા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના એડિશનલ કમિશનર વિભોર બદોની અને ડેપ્યુટી ડાયરેક્ટર દેેવેન કેસવાલાની આગેવાની હેઠળ 100 થી વધુ અધિકારીઓની ટીમે સુરત અને મુંબઇના 30 સ્થળો પર સર્ચ કાર્યવાહી કરી હતી. જેમાં ભાવના જેમ્સ, ધાનેરા ડાયમંડ, અરવિંદ અજબાની ઉર્ફે બીચ્છુ, બિલ્ડર રમેશ ચોગઠ, નરેશ શાહ ઉર્ફે વીડિયો અને કાદર કોથમીર, હિમ્મતસિંહ, અને જનક જમીનદલાલ નામના વ્યક્તિઓને વરુણીમાં લેવામાં આવ્યાં હતાં. આ સિન્ડિકેટને ત્યાંથી મોટાપાયે જમીનોના દસ્તાવેજ, સોદા ચિઠ્ઠીઓઓ, બાનાખત, સાટાખત, શેર બજારના અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના દસ્તાવેજ, વ્યાજે નાણાં ધીરવાની ડાયરીઓ અને પાવર ઓફ એટર્નીનાં થેલા ભરી ડોક્યુમેન્ટ મળ્યાં હતાં. કુલ 14 લોકોને ત્યાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ડાયમંડ પેઢીઓને ત્યાં સર્ચ દરમિયાન સાત વર્ષના હીરા, પ્રોપર્ટી લે-વેચ અને કેશ લોનનાં ડોક્યુમેન્ટ મળ્યાં છે. ડાયમંડ પેઢીઓ દ્વારા રોકડમાં ખરીદેલી પ્રોપર્ટી, રોકડમાં લીધેલી લોન, રોકડમાં હીરાનું ખરીદ-વેચાણ, રોકડમાં લોનનાં 7 વર્ષના હિસાબી ચોપડાઓ,લેપટોપ, પેન ડ્રાઈવ જપ્ત કરવામાં આવી છે. આ બધામાં 1200 કરોડનો વ્યવહાર હિસાબી ચોપડે કે રિટર્ન દર્શાવ્યો છે કે કેમ એની તપાસ ચાલી રહી છે. ઘણી એન્ટ્રીઓ બિન હિસાબી મળી છે.

અગાઉ મોટા બિલ્ડર્સ ગ્રુપને ત્યાં થયેલા સર્ચમાં નરેશ વીડિયો, રમેશ ચોગઠ અને કાદર કોથમીરની એન્ટ્રીઓની નોંધ મળતાં બીજું પ્રકરણ બહાર આવ્યું
સુરતનાં એક મોટા બિલ્ડર્સ ગ્રુપનું પ્રોપર્ટીના રોકાણમાં 650 કરોડનું બે નંબરી કાળું નાણું સુરત અને વડોદરા આવકવેરાની ટીમે શોધી કાઢ્યું હતું. 9 મહિના ચાલેલા વેરિફિકેશનમાં નરેશ વીડિયો, રમેશ ચોગઠ અને કાદર કોથમીરની એન્ટ્રીઓની નોંધ મળતાં બીજું પ્રકરણ બહાર આવ્યું હતું. એમાં કાદર કોથમીરની એક જમીનના સોદાના કાગળો મળી આવ્યા હતા. આવું જ કંઇક રમેશ ચોગઠના કેસમાં પણ બન્યું હતું. કાદર કોથમીરની વેસુ જેવા પોશ વિસ્તારમાં આવેલી એક જમીનની ડીલ બાબતે તપાસ થઈ હતી જેમાં રૂપિયા 20 કરોડ કોથમીર ક્યાંથી લાવ્યા તેની પુછપરછ કરવામાં આવી હોવાનું આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ડાયમંડ પેઢીઓ અને બિલ્ડરોને ત્યાં જપ્ત કરાયેલાં ડોક્યુમેન્ટના આધારે અધિકારીઓ ટેક્સની ગણતરી કરી ડિમાન્ડ નોટિસ ઈશ્યુ કરશે. કેટલીક બે વારની એન્ટ્રીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.

કોરોનાની બીજી લહેર પછી નીકળેલી તેજીમાં કરોડોના રોકડામાં સોદા થયા
સુરત આવકવેરા વિભાગને બાતમી મળી હતી કે કોરોનાની બીજી લહેર પછી યુરોપના દેશો અને ડોમેસ્ટિક ડાયમંડ માર્કેટમાં તેજી નીકળી હતી ત્યારે મોટી ડાયમંડ કંપનીઓએ તેજીનો લાભ લેવા ડાયમંડની લે વેચ અને પ્રોપર્ટીમાં મોટાપાયે રોકડામાં સોદાઓ કર્યા હતાં. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એવા ચારેક ગ્રુપમાં સ્ટૅટેસ્ટીક ડેટા એનાલિસિસ બેન્ક ટ્રાન્જેક્શનનાં ઉથલાને આધારે તપાસ થઈ હતી. એમાં બે ડાયમંડ કંપનીઓનાં નામો બહાર આવ્યા હતા. આ કંપનીઓની કોર્પોરેટ ઓફીસ મુંબઈમાં હોવાથી ત્યાં પણ સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બન્ને કંપનીઓ નામ માત્રનું એક્સપોર્ટ કરતી હોવાથી આવકવેરા વિભાગની શંકા પ્રબળ બની હતી.

Most Popular

To Top