સુરત: (Surat) કતારગામ શેફ વોલ્ટમાંથી હિરા વેપારીના (Diamond Trader) મારૂતિ વાનમાં લઈ જવાતા 8 કરોડ રોકડની આજે લુંટ થઈ હતી. આઈટી અધિકારી બનીને આવેલા લુંટારૂએ બંદૂકની અણીએ વાનના ચાલક સહિત ચાર લોકોને અંદર બેસાડી વાન લઈ ગયો હતો. અને વરીયાવ બ્રીજ પાસે તેમને ઉતારી નાસી ગયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ હાલમાં એકજ વ્યકિત કેવી રીતે ચાર લોકોને લૂંટી લીધા તે થિયરી માનવા તૈયાર નથી. તેથી હાલમાં ઉલટ તપાસ શરૂ કરી છે. આઠ કરોડની આ લૂંટમાં ફરિયાદી ડફોળ બનાવી રહ્યા હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.
- લુંટારૂ વાનમાં બેસેલા ચારેયને વરીયાવ બ્રીજ પાસે ઉતારી વાન લઈને ભાગી ગયો
- ક્રાઈમ બ્રાંચને સમગ્ર ઘટના શંકાસ્પદ લાગતા ચારેય ફરિયાદીની ઉલટ તપાસ કરી
- એકજ વ્યકિત ચૂપચાપ આવીને બેસી ગયો અને ચાર જણાયે લૂંટનો વિરોધ નહી કર્યો તે થિયરી પોલીસ માનવા તૈયાર નથી
સુરત શહેરમાં કતારગામ શેફ વોસ્ટમાંથી આજે એક હિરા વેપારીના 8 કરોડ એક વાનમાં લઈ જવાતા હતા. ત્યારે એક અજાણ્યો ઇન્કમટેક્ષ અધિકારી બનીને આવ્યો હતો. અને તેને બંદૂકની અણીએ આ વાન ઉપર કબજો કરી લીધો હતો. વાનમાં ચાલક સહિત ચાર જણા હતા. ચારેયને વાનમાં બેસાડી ત્યાંથી વરીવાય બ્રીજ પાસે લઈ ગયો હતો. અને ત્યાં તેમને ઉતારી 8 કરોડ રોકડ ભરેલી વાન લઈને નાસી ગયો હતો. શહેરમાં દિનદહાડે 8 કરોડની લુંટની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ કતારગામના ઇન્ચાર્જ પીઆઈએ તેમની પાસે આવી કોઈ ફરિયાદ કે ફરિયાદી આવ્યા નથી તેમ કહ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ ઘટનાની તપાસ કરીને વાનમાંથી ઉતારવામાં આવેલા ભોગબનનારા ચારેયની પુછપરછ કરી હતી. જોકે સમગ્ર ઘટના તેમને શંકાસ્પદ લાગી હતી. ક્રાઈમ બ્રાંચે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
નકલી અધિકારીએ 8 કરોડની લુંટ કરી: ગુજરાત સરકાર નકલીને ક્યારે ડામશે?
ગુજરાત સરકારમાં નકલી અધિકારી, નકલી કર્મચારી, નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પરંતુ અસલી તંત્ર આ દુષણ ડામવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. કતારગામમાં આઈટી અધિકારી હોવાનું કહીને લુંટારુએ લુંટ ચલાવી છે. અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક અજાણ્યો વાનની સામે આવીને લુંટ કરતો નજરે પડે છે.
8 કરોડની લુંટની ઘટના પછી પણ પીઆઈ ઓફિસમાં બેસીને ફરિયાદીની રાહ જોતા હતા?
કતારગામ પોલીસ ઇન્સપેક્ટરનો ચાર્જ ગઈકાલે ચોકબજાર પીઆઈ વીવી વાઘડીયા પાસે હતો. 8 કરોડની લુંટની ઘટના વિશે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ ઓફિસમાં જ બેઠો છો પણ હજી સુધી કોઈ ફરિયાદી લુંટની ફરિયાદ લઈને આવ્યું નથી તેવો જવાબ આપ્યો હતો. આટલી મોટી લુંટની વાત હોય ત્યારે પીઆઈ તેમની ચેમ્બરમાં બેસીને ફરિયાદીની રાહ જોતા હોય તેવું પોલીસ કમિશનર વગરના શહેરમાં જ શક્ય છે.