SURAT

સુરત આવકવેરા વિભાગ એક્શનમાં: છેલ્લા 6 વર્ષના આશરે 5000 કેસ રિઓપન કર્યા

સુરત: આવકવેરાના વિભાગ (Income tax dept)ના નવા કાયદા પ્રમાણે હવે શંકાસ્પદ કેસો રિઓપન (case reopen) કરવાની સમયસીમા ઘટાડવામાં આવી છે. પહેલાં છ વર્ષ સુધીના (last 6 years) કેસો રિઓપન કરી શકાતા હતા. જો કે, નવા કાયદા પ્રમાણે 50 લાખથી ઓછી ટેક્સચોરી (tax theft) હોય તેવા કેસો ફક્ત 3 વર્ષ સુધી રિઓપન કરી શકાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આવકવેરા અધિકારીઓને 30 જૂન સુધી પાછલાં છ વર્ષ સુધીના એટલે કે એસેસમેન્ટ વર્ષ 2013-14 કેસો રિઓપન કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદથી નવો કાયદો લાગુ પડી જતાં કેસો રિઓપન કરી શકાશે નહીં. જેના લીધે સુરત કમિશનરેટમાં આઇટીઓ અને એસેસમેન્ટ ઓફિસરો દ્વારા હાલ શંકાસ્પદ કેસો કે જેમાં રિટર્ન ફાઇલ ન કરવામા આવ્યા હોય, મોટી રકમની જમીન-મકાનની ખરીદી, શેરબજારમાં રોકાણ, પ્રોપર્ટી ગિફ્ટ કરવામાં આવી હોય અથવા મોટી રકમની બેંક ડિપોઝિટ હોય અથવા ખોટી લોન દર્શાવવામાં આવી હોય તેવા કેસોને રિઓપન કરી કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી રહી છે.

આશરે પાંચ હજારથી વધારે કેસો રિઓપન થયા છે અને મોટા ભાગના કરદાતાઓને નોટિસો પણ મોકલાઇ ચૂકી છે. અત્યાર સુધી કોરોનાની બીજી લહેર હોવાથી કરદાતાઓને કોઇ અગત્યના કારણ વગર ડિપાર્ટમેન્ટ સુધી નહીં બોલવવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી. જેથી અધિકારીઓ પણ નોટિસો મોકલી રહ્યા ન હતા. જો કે, હવે છેલ્લા એક અઠવાડિયાથી નોટિસો મોકલવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. 30 જૂન સુધીમાં તમામ નોટિસો મોકલી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 30 જૂન બાદ કેસો રિઓપન થઇ શકશે નહીં. જેના લીધે આયકર અધિકારીઓને ભય છે કે કોઇ શંકાસ્પદ કેસમાં નોટિસ મોકલવાની રહી જાય અને પાછળથી ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આવા કેસ આવે તો તેની સામે પણ કાર્યવાહી થઇ શકે છે. તેથી તેઓ જે કેસોમાં સામાન્ય શંકા હોય તેમાં પણ નોટિસો ઇશ્યુ કરી રહ્યા છે.

Most Popular

To Top