સુરત: પાછલા થોડા સમયથી જ સુગર મંડળીના (sugar committee) ચેરમેન (Chairman) વિવાદમાં છે. ભાજપ દ્વારા મેન્ડેડ આપી નિમાયેલા આ ચેરમેન (Chairman) થોડા સમયથી નાટકીય રીતે રાજીનામું (Resignation) આપવાનું નાટક કરી રહ્યા છે. દરમિયાન પૂણાગામ વિસ્તારમાં આવેલા સરદાર ફાર્મ ખાતે વર્ષના પ્રથમ દિવસે એક મીટીંગનું (meeting) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરમેનના વિરોધ સહિતના ઘણા અગત્યના મુદ્દાઓ (issues) ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સભાના અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે, ઓલપાડ કાંઠા સુગર મંડળીના ચેરમેનને ભાજપ ધ્વારા મેન્ડેડ આપી આ પદે બેસાડવામાં હતાં. પરંતુ તેઓ નાટકીય રીતે રાજીનામું આપવાનું નાટક કરી રહ્યા છે. તેમજ રાજીનામું આપવા માટે જે બોગસ કારણ આપવામાં આવ્યુ છે, તેને ધ્યાનમાં રાખી કહી શકાય કે સુગરમાં કંઈક તો ગડબડ ચાલી રહી છે.
આ કારણે ગઇકાલે તા. 1/1/2024 ના રોજ પુણાગામ વિસ્તારમાં આવેલા સરદાર ફાર્મ ખાતે શ્રી કાંઠા સુગર બિન ઉત્પાદક સભાસદ હિત રક્ષક સમિતિ ધ્વારા સુગરના બિન ઉત્પાદક સભાસદોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 150થી વધુ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમા તમામ સભાસદોના હિતને ધ્યાને રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચર્ચાના મુખ્ય મુદ્દા
-બિન ઉત્પાદક શેરધારક સભાસદો કે જેની સંખ્યા લગભગ 4૦,૦૦૦થી વધુ છે તેની મૂડીનું શું?
-છેલ્લા દસ વર્ષથી શેરડીનું પીલાણ ચાલુ છે પરંતુ સભાસદોને ખાંડ આપવામાં નથી આવતી
-છેલ્લા દસ વર્ષથી સભાસદોને જનરલ સભામાં આમંત્રણ આપવામાં નથી આવતું
-છેલ્લા દસ વર્ષથી સભાસદોને ઓડિટ રિપોર્ટ કે અહેવાલ આપવામાં નથી આવ્યો
-50 કરોડનું શેર ભંડોળ 20 કરોડ સરકારના દસ વર્ષથી શેરડી પીલાણ કરી ખાંડનું વેચાણ થઇ રહ્યું છે. જેનો હિસાબ આપવામાં આવ્યો નથી
-સંસ્થા પાસે સ્થાપના સમયે કેટલી જમીન હતી આજે કેટલી જમીન છે તેમાંથી કેટલી જમીન કોને ક્યારે અને ક્યા ભાવે અને કોની મંજૂરીથી વેચાણ કરેલ છે? વેચાણ કરેલ જમીનમાંથી આવેલ રકમ ક્યાં ગઈ હાલ સંસ્થા પર કેટલું લેણું છે? કઈ બેંકની કેટલી લોન છે? તેનો હિસાબ રજૂ કરવામાં આવે
-સરકારી કાર્યક્રમો પાછળ ખર્ચ કરવા સંસ્થા પાસે પૈસા છે સભાસદોને આપવા માટે ખાંડ કે પૈસા નથી
-સરકારે હસ્તક્ષેપ કરી સંસ્થાનો તમામ વહીવટ હસ્તગત કરી સંસ્થાના અધિકારી પદાધિકારીની સહિત તમામ સામે સીબીઆઇ તપાસ કરી જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. તેમજ સહકારી ક્ષેત્રમાં રાજકીય રીતે મેન્ડેડ આપી સભાસદોની અવગણના કરનાર જે તે જવાબદાર પદાધિકારીની જવાબદારી નક્કી કરવી જોઇયે. તેમજ તેની ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.