તા. 28/12/20 ના ગુ.મિ.માં સૂરતનાં રસ્તાઓ ક્યારે સુધરશે’ મથાળા હેઠળ એક નાગરિકનું ચર્ચાપત્ર સારી એવી ચર્ચા માંગી લે છે. સૂરતનાં નાગરિક તરીકે આ ભાઈ દરરોજનું ગુજરાતમિત્ર બરાબર વાંચતા નથી. દરરોજ ગુ.મિ.માં સૂરતનાં વખાણનાં સમાચાર આવે છે. સૂરતને ગુજરાત રાજ્યનું સ્વચ્છતા અને સગવડો માટેનું બીજા નંબરનાં શહેરનું બિરૂદ મળ્યું છે. સૂરત મહાનગરપાલિકા કેટલી બધી પ્રગતિ કરે છે તેનાં હેવાલ રોજેરોજ નવા નવા આવે છે. સૂરત મનપાએ કેટલા બધાં બ્રીજ બાંધ્યા છે.
કેબલ સ્ટેડ બ્રીજ પણ બનાવ્યાં છે. કેટલાં બધા બાગબગીચા અને સહેલાણીઓ માટેનાં સુંદર સ્થળો બનાવ્યાં છે. આ બધાં કાર્યો માટે સૂરત મનપાં કોન્ટ્રેક આપી દે છે. પોતાનો સ્ટાફ તો આ બધી સુંદરતાનું નિર્માણ કરવા ઓછો પડે. કોન્ટ્રાક્ટરોનાં કામો પર મ.ન.પા.ના ઈન્સ્પેકટરો દેખરેખ રાખે છે અને મ.ન.પા.નાં કમિશ્નર સાહેબને રિપોર્ટ આપે છે.
હવે કોન્ટ્રાકટરો મજબૂત અને લાંબા ગાળે ચાલે તેવાં સુંદર રસ્તાઓ બનાવે તો પછી એ બધાં કોન્ટ્રાકટરોને ફરી પાછુ કામ લાંબે ગાળે મળે અને કોન્ટ્રાકટરો તથા તેનાં મજૂરો ભૂખે મરે એવી પરિસ્થિતિ સર્જાય અને આવાં ગાબડગૂબડ વાળા રોડ જલ્દી થઈ જાય તે સૂરતનાં નાગરિકોનાં લાભાર્થે છે.
સૂરતનાં ઓર્થોપેડિક ડોકટરોને પેશન્ટો ન ખરાબ થઈ જાય તેવાં રસ્તા બનાવવામાં આવે છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલર સપાટ અને સુંદર રસ્તા પર તેજગતિથી દોડે તો અકસ્માત નો ડર રહે છે એટલે સ્પીડ લિમિટ માટે પણ આવું કરવામાં આવે છે. રસ્તે ચાલનારાની પણ કમર મજબૂત બને અને જીમમાં ન જવું પડે તે માટે આવાં રસ્તાઓ બનાવવામાં આવે છે.
તોજ આગળ જતાં સૂરતને નંબર વન સીટીનો ચાન્સ મળે. એટલે સૂરતનાં નાગરિક તરીકે શાનમાં સમજી જઈ મ.ન.પા.નાં કાર્યો ચૂપકીદી સેવી શાંતિથી જોયાં કરવાં જોઈએ. સૂરતની પ્રજાનાં હિતાર્થે પણ કોરપોરેટરોની ચૂંટણી થાય છે એટલે તેઓ પણ સૂરતની પ્રજાનાં હિતાર્થે આ બધાં કાર્યો માટે ચૂપકીદી સેવે છે. હવે કદાચ તમને સૂરતનાં જુના નાગરિક તરીકે ખ્યાલ આવી જશે.
સુરત – ડો. કે.ટી.સોની આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.