SURAT

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: 1.25 લાખ સુરતીઓનો એક સાથે યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો થનગનાટ

ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલ તા ૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (Yog Day) ઉજવણી નિમિત્તે સુરત ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સવા લાખ શહેરીજનો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વ વિક્રમ (World Record) સર્જશે. વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

  • આજે સુરત ખાતે ભૂપેન્દ્ર પટેલના અઘ્યક્ષ સ્થાને યોગ દિવસની ઉજવણી
  • રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સવા લાખ શહેરીજનો યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વ વિક્રમ સર્જશે

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે. સવારે ૬.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે સવા લાખથી વધુ લોકો સહભાગી થશે. મુખ્યમંત્રી સવારે ૬.૩૦ કલાકે સુરતથી રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે પુસ્તક વિમોચન કર્યા બાદ યોગ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે.

સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં Y જંકશન થી SVNIT સર્કલ -૪ કિ.મી સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – ૪ કિ.મી સુધી, તેવી જ રીતે Y જંકશનથી સુરત એરપોર્ટ ગેટ – ૪.૫ કિ.મી સુધી મળી પ્રતિ ૧ કિમી આશરે ૧૦,૦૦૦ નાગરિકો એટલે કે ૧,૨૫,૦૦૦ નાગરિકો કુલ ૧૨.૫ કિમી પાથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થશે. નોંધનીય બાબત છે કે રાજ્ય કક્ષાના સુરત ખાતેના કાર્યક્રમમાં જોડાવવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.

શહેરના મગદલ્લા પાસેના વાય જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી 12 કિ.મી.સુધીના રસ્તા ઉપર સવારે 6 થી 8 વાગ્યા સુધી નાગરિકો યુવાનો, મહિલાઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. આ કાર્યક્રમમાં અંદાજે 135 જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે, દરેક બ્લોકમાં 1 હજાર લોકો યોગ કરશે અને અંદાજે 1.25 લાખ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. યોગમાં જોડાનાર નાગરિકોના હાથ પર ક્યુ-આર કોડ સાથેની રિસ્ટબેન્ડ બાંધવામાં આવશે.

રાજ્યકક્ષાની યોગદિનની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ કરાઈ રહી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શનમાં વાય જંક્શન ખાતે યોજાનારા રાજ્યસ્તરીય યોગ દિવસની ઉજવણીની તૈયારીઓને મંગળવારે આખરી ઓપ અપાયો હતો. શહેરના મગદલ્લા પાસેના વાય જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી 12 કિ.મી.સુધીના રસ્તા ઉપર સવારે 6 થી 8 વાગ્યા સુધી નાગરિકો યુવાનો, મહિલાઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે.

Most Popular

To Top