SURAT

સુરત એરપોર્ટ પરથી લાખોનું સોનું અને કરોડોના હીરા પકડાયા, હવાલા કૌભાંડની આશંકા…

સુરત : સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ (Surat International Airport) ઉપર કસ્ટમ (Custom) અને ડીઆરઆઇને (DRI) બગાસુ ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ સર્જાયો છે. ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે એક પેસેન્જર (Passenger) શારજાહથી (Sharjah) સોનું (Gold) લઈને આવે છે. તે માટે ડીઆરઆઇએ એરપોર્ટ પર તપાસ કરી હતી. સોના સાથે આવેલો પેસેન્જર તો ડિપાર્ટમેન્ટને મળ્યો સાથે 6.50 કરોડ રૂપિયાના હીરા (Diamond) લઇને શારજાહ જતો પેસેન્જર પણ ડિપાર્ટમેન્ટના હાથે ઝડપાઈ ગયો હતો.

  • સોનાની બાતમીના આધારે તપાસ કરવા ગયેલી ડીઆરઆઇને હીરા મળ્યાં
  • સુરત એરપોર્ટ ઉપર શારજાહ જતા મુસાફર પાસે 6.50 કરોડના હીરા મળ્યાં
  • મુસાફરની બેગ ચેક કરતાં તેમાંથી 2700 કેરેટ ડાયમંડ મળી આવ્યા
  • એરઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં શારજહાથી આવેલા પેસેન્જર પાસેથી 15 લાખનું સોનું મળ્યું

સુરતને કસ્ટમ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ થયું ત્યારથી એરપોર્ટ પરથી અવાર-નવાર પેસેન્જરો સોના સાથે પકડાઈ રહ્યા છે. બુધવારની રાત્રે કસ્ટમ અને ડીઆરઆઇ ડિપાર્ટમેન્ટ એરપોર્ટ પરથી શારજાહ જતા અને શારજાહથી આવતા બે પેસેન્જરોને સોનું અને હીરા સાથે ઝડપી પાડ્યા છે. કસ્ટમ અને ડીઆરઆઇ (DRI) ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે શારજાહથી આવતી એરઇન્ડિયા એક્સપ્રેસની (Air India Express) ફ્લાઈટમાં એક પેસેન્જર વધુ વડતા સોના સાથે સુરત આવી રહ્યો છે. બાતમીના આધારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફ્લાઈટમાંથી (Flight) આવતા પેસેન્જરોને ચેક કરતા હતા ત્યારે એક પેસેન્જરે સરકારે નક્કી કરેલા મર્યાદાથી વઘુ સોનાના ઘરેણાં પહેર્યા હતાં.

પેસેન્જર પાસે નિયત મર્યાદા કરતા 300 ગ્રામ સોનું વધુ હતું. જેની કિંમત 15 લાખ રૂપિયા થાય છે. તેજ ફ્લાઈટમાં શારજાહ જનારા પેસેન્જરો પૈકી એક પેસેન્જર પર ડિપાર્ટમેન્ટના અધિકારીઓને શંકા ગઈ હતી. તેથી તેની બેગ ચેક કરતા તેની બેગમાંથી 2700 કેરેટના હીરા મળી આવ્યા હતા. જેમની કિંમત 6.50 કરોડ રૂપિયા થાય છે. અધિકારીઓએ બંનેની અટકાયત કરીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવનાર છે.

હવાલા કૌભાંડની આશંકા
સુરત ડીઆરઆઈની બાતમીના પગલે સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમના અધિકારીઓ દ્વારા દાણચોરીનું સોનું અને હીરા પકડ્યા છે. રૂપિયા 6.50 કરોડની કિંમતના આ હીરા સાથે એક મુસ્લિમ યુવકને સુરત કસ્ટમ વિભાગે પકડ્યો છે. હાલ કસ્ટમના અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન ચોપડે દર્શાવ્યા વિના બારોબાર સુરતથી પોલિશ્ડ ડાયમંડ ફ્લાઈટમાં શારજાહ અને ત્યાંથી દુબઈ મોકલવામાં આવે છે. દુબઈથી આ ડાયમંડ વિશ્વના અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ડાયમંડ ખરીદનાર સુરતના વેપારીને બારોબાર હવાલા મારફતે પેમેન્ટ ચૂકવે છે, જેથી તેની ભારતમાં કોઈ ઓફિશિયલ એન્ટ્રી પડતી નથી. તેથી ઈન્કમટેક્સથી માંડીને બાકીના તમામ કર, ડ્યૂટીમાંથી બચી જવાય છે. આ સમગ્ર પ્રકરણ દાણચોરીની સાથે સાથે હવાલા કાંડનો હોવાની અધિકારીઓને શંકા છે. તેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે. કસ્ટમની તપાસ પૂરી થયા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ કેસની તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Most Popular

To Top