સુરત: ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) પ્રથમ ચરણની ચૂંટણીના મતદાનના (Voting) બે દિવસ પહેલાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (AAI) સુરતના હયાત ટર્મિનલ બિલ્ડિંગની બંને તરફ વિસ્તરીત થઈ રહેલા ટર્મિનલ બિલ્ડિંગના લે આઉટ એલિવેશનનો ફોટો અધિકૃત ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કરી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) તરીકે રજૂ કર્યું હતું. જેને લઈને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની કેટેગરીમાં આવી ગયું હોવાની અફવા ફેલાઈ હતી.
- રાજકારણીઓની જેમ એરપોર્ટ ઓથોરિટીએ ફેરવી ટોળ્યું, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી
- સુરતમાં પ્રથમ ચરણનું મતદાન પ્રભાવિત થાય એ રીતે AAIએ વિસ્તરણ પામી રહેલા ટર્મિનલ બિલ્ડિંગનો ફોટો ટ્વીટ કરી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ લખ્યું હતું
ચૂંટણીમાં સુરતના મતદારો પર પ્રભાવ પાડવા આ ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો. આ મામલે સુરતના જાગૃત નાગરિકે ગેરસમજ દૂર કરવાનાં આશયથી આરટીઆઇ (RTI) અરજી કરી સ્પષ્ટતા માંગતાં રીઢા રાજકારણીઓની જેમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફેરવી ટોળતાં ઉત્તર આપ્યો હતો કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી, પણ એનું સ્ટેટસ કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટનું છે.
ઓથોરિટીએ ખુલાસો કર્યો હતો કે, સુરત એરપોર્ટનું જે નવું ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરીત થઈ રહ્યું છે, એના ફોટોની નીચે ભૂલથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એનો અર્થ એ થયો કે, સુરત એરપોર્ટ માત્ર ને માત્ર કસ્ટમ-કસ્ટમ એરપોર્ટની શ્રેણીમાં આવે છે. હજુ સુધી કોઈ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા નથી!
પ્રથમ ફેસનું મતદાન પૂરું થયું એના દિવસો પછી એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટ ડિલીટ કર્યું
28 નવેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી નવા બની રહેલા ટર્મિનલ બિલ્ડિંગનો ફોટો મૂકી નીચે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ લખ્યું હતું. આરટીઆઈ અરજી થયા પછી પ્રથમ ચરણનું મતદાન પૂરું થયું એના દિવસો પછી એરપોર્ટ ઓથોરિટીએ ભૂલ સ્વીકારી વિવાદાસ્પદ ટ્વીટ ડિલીટ કર્યું હતું. આરટીઆઈ કરનારના પ્રશ્નો પછી આ ભૂલ સુધારી લેવાઈ છે. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે, ‘અમારા ધ્યાન પર લાવવા બદલ આભાર. આ સમાવેશ ડિઝાઇનની અનદેખીને કારણે અજાણતા ભૂલ હતી. ભૂલ સુધારીને AAIએ વિવાદાસ્પદ ટ્વીટ હટાવી દીધું છે.’