SURAT

વરાછાની 56 વર્ષની વિધવા યુવક સાથે મિત્રતા કરવામાં આ રીતે ભેરવાઈ

સુરત: (Surat) નાના વરાછા ખાતે રહેતી 56 વર્ષની વિધવા સાથે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અજાણ્યાએ મિત્રતા (Friend) કેળવી પોતે લંડન (London) રહેતો હોવાનું કહ્યું હતું. અને મહિલા સાથે લગ્ન (Marriage) કરી તેને લંડન લઈ જવાનું કહીને પહેલા મહિલા પાસેથી રોકડા 5.15 લાખ આંગડિયા મારફતે પડાવ્યા હતા. બાદમાં 7 લાખના દાગીના મેળવી કુલ 12.15 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

નાના વરાછા ખાતે આકાર ક્લબની પાસે રહેતી 56 વર્ષીય મહિલાના પતિનું વર્ષ 2005 માં મોત થયું હતું. મહિલા ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ ધરાવે છે. ફેબ્રુઆરી 2022 માં મહિલાના ઇન્સ્ટાગ્રામ ઉપર આશિષપટેલ435 નામની ઇન્સ્ટા આઈડી પરથી મેસેજ આવ્યો હતો. મહિલાએ મેસેજનો રિપ્લાય આપ્યા બાદ રોજ વાતચીત કરતા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ હતી. મહિલાએ પોતે વિધવા હોવાનું કહેતા યુવકે પોતે પણ એકલો રહે છે અને આપણે જીવનસાથી બની જઈએ તેમ પ્રસ્તાવ મુક્યો હતો. આશિષ પટેલે હાલ પોતે લંડનમાં રહેતો હોવાનું અને ત્યાં રેમન્ડની શોપ હોવાનું કહ્યું હતું. રાજકોટમાં તેની જમીન અને ફાર્મ આવેલા છે. મહિલાને લગ્ન કરીને લંડન લઈ જશે તેવું કહીને વિશ્વાસ કેળવ્યો હતો.

આશીષે મહિલાને તેના વિઝા અને પાસપોર્ટની પ્રોસેસ ચાલુ કરવા રાજકોટ તેના જમીનનું કામ કરતા મહેશ ગૌસ્વામીને આંગડીયા મારફતે રૂપિયા મોકલી આપવા કહ્યું હતું. મહિલાએ તેની વાતમાં આવીને આર.કે.આંગડીયા દ્વારા 3 લાખ મોકલ્યા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે બીજા 2.15 લાખ મળીને કુલ 5.15 લાખ આપ્યા હતા. બાદમાં આશિષ પટેલે તેને મોકલેલા રૂપિયા મળી ગયા હોવાનું કહીને મહિલાને તેના દાગીના વિમાનમાં નહી લાવી શકશે તેમ કહીને તેના માણસ મહેશને આપી દેવા કહ્યું હતું.

મહિલા લંડન આવશે ત્યારે તેને દાગીના આપી દેશે તેમ કહીને 7 લાખના દાગીના મહેશ પાસે કામરેજ ચાર રસ્તા પાસે બોલાવી અપાવી દીધા હતા. અઠવાડિયા પછી આશિષ પટેલે મહિલાને ઇન્સ્ટાગ્રામમાં સોનાના દાગીનાનો ફોટો મોકલી મળી ગયા હોવાનું કહ્યું હતું. પછી તેને મહિલા સાથે ઘીમે ધીમે વાત કરવાનું ઓછું કરી નાખ્યું હતું. મહિલાએ તેના દાગીના અને પૈસા પરત માંગતા તે પણ આપતો નહોતો. અંતે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top