SURAT

CMની મુલાકાત ફળી, સુરતમાં 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશનનો સ્ટોક આવી ગયો

સુરત: (Surat) સુરત શહેરમાં કોરોનાની બેકાબુ બનેલી પરિસ્થિતિને પગલે ગઇકાલે સુરત દોડી આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) મુલાકાત ફળદાયી નિવડી છે. સુરત શહેરના આજે પાંચ હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેકશન (Injection) આવી ગયા છે. સુરતની 65 ખાનગી હોસ્પિટલને 1180 ઇન્જેકશન ફાળવી અપાયા, જ્યારે નવી સિવિલ હોસ્પિ. પાસે 1000 ઈન્જેકશનનો સ્ટોક છે.

સુરત શહેરમાં વિતેલા એકાદ સપ્તાહથી કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના સંક્રમણ ભયાનક રીતે આગળ વધતા શહેરમાં ખાનગી મેડિકલ સ્ટોરમાં રેમડેસિવિરની કટોકટી ઉભી થઇ હતી. સુરત શહેરમાં કેટલેક ઠેકાણે તો ઈન્જેકશનની ધૂમ કાળાબજારી ચાલી હતી. જેને કારણે કોરોનાના દર્દીઓને બચાવવા મુશ્કેલ થઈ ગયા હતાં. સુરતમાં કોરોનાની પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેતાં ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉડતી મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતાં. તેમણે ગઈકાલે કહ્યું હતું કે, સુરતને રેમડેસિવિર ઈન્જેકશનની અછત નહીં પડે. સીએમના વાયદા પ્રમાણે સુરત શહેરને પાંચ હજાર ઇન્જેકશન પહોંચાડી દેવાયા છે.

રેમડેસિવિર માટે 80 મેઇલ આવ્યા અને 1180 ઇન્જેકશન પણ મોકલી દેવાયા
સુરત શહેરમાં કોરોનાના વિસ્ફોટ બાદ વિકટ સંજોગોને પહોચી વળવા અને રેમડેસિવિરના કાળાબજારીની અટકાવવા કલેકટરે ગઇકાલે એક વ્યવસ્થા ગોઠવી હતી. કલેકટર ડો.ધવલ પટેલએ કરેલી વ્યવસ્થા મુજબ આજે ગણતરીના કલાકોમાં 80 કરતા વધારે ઇ-મેઇલ આવ્યા હતાં અને જુદી જુદી 65 જેટલી હોસ્પિટને જરૂરીયાત પ્રમાણે 1180 ઇન્જેકશન પણ આપી દેવાયા છે.

નવી સિવિલ હોસ્પિ. પાસે 1 હજાર સ્ટોક ઉપલબ્ધ અને છાંયડાને 2 હજાર ઇન્જેકશન ફાળવ્યા
કોરોનાને પગલે સુરત શહેરમાં રેમડેસિવિરની માંગમાં ઉછાળો આવતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મામલો હાથ ઉપર લીધો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર આર.એમ.પટેલએ જણાવ્યું હતું કે શહેરમાં નકકી કરેલા દરો કરતા કોઇ વધારે રકમ લઇ ઇન્જેકશન આપશે તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રેમડેસિવિરની અછત દૂર કરવા સરકારે પણ સુરતને પાંચ હજાર સ્ટોક ફાળવ્યો છે. જે પૈકી આજે નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરને 1500 સ્ટોક અપાયો છે. તેવી જ રીતે નવી સિવિલ હોસ્પિટલના છાંયડા મેડિકલ સ્ટોરને પણ 2 હજાર ઇન્જેકશન આપવામાં આવ્યા છે.

જેમને ઓક્સિજનની જરૂર નહીં હોય તેવા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરાશે

શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડની અછત ઉભી થઇ છે. ખાસ કરીને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરીયાતવાળા દર્દીઓને તાકીદે હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હોવાથી હવે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં ફેરફાર કરવાના સંકેત મનપાના આરોગ્યતંત્ર દ્વારા અપાયા છે. હવે કોરોનાની સારવાર લઇ રહેલા જે દર્દીઓને ઓક્સિજનની જરૂર ના હોય તો તેને અન્ય કોવિડ કેર સેન્ટરોમાં ખસેડાશે અથવા ઘરે જ સારવાર લેવા અનુરોધ કરાશે. જેથી ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરીયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી રહે. આ ઉપરાંત શહેરમાં પાંચથી 10 બેડની વ્યવસ્થા હોય તેવા નર્સિંગ હોમને પણ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે મંજૂરી આપી દેવાશે.

Most Popular

To Top