SURAT

ડુમસની હોટલમાં દારૂ-હુક્કાની મહેફિલનો વીડિયો વાયરલ થતા સુરતની ઈન્ફલુએન્સર ફરી વિવાદમાં, બેની ધરપકડ

સુરતઃ થોડા દિવસ અગાઉ અડધી રાત્રે જાહેરમાં થાર કારના બોનેટ પર બેસી આતશબાજી કરી બર્થ ડે સેલિબ્રેટ કરી વિવાદમાં આવેલી સુરતના સિટિલાઈટ વિસ્તારની સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર ઝીનલ દેસાઈનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વખતે ડુમસની હોટલમાં બુટલેગર સાથે દારૂ-હુક્કાની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. બે ઈસમોની ધરપકડ કરી છે.

જાહેરમાં બર્થ ડે સેલિબ્રેટ કરી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝીનલ દેસાઈ સહિતના અન્ય ચાર લોકોએ કથિત રીતે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હોટલમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણી હતી. આ મહેફિલનો વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાત અને સુરતમાં દારૂ અને હુક્કા પર પ્રતિબંધ છે. ત્યારે ડુમસ સાયલન્ટ ઝોનમાં આવેલી બેલિઝિયા હોટેલમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણવામાં આવી હતી. મહેફિલ માણનારા બુટલેગર અને કહેવાતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જીનલ દેસાઈ સહિત 4 સામે ડુમસ પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 22 ઓક્ટોબરે ટેક્સટાઇલ ક્ષેત્રે મોડલિંગ કરતી કક્ષા રમેશ સરવાણીનો જન્મદિવસ હતો. એટલે તેના ભાઈ મિહિર રમેશ સરવાણી, તેજસ ભરત મહેતા અને ઝીનલ દેસાઈએ બેલિઝિયા હોટલની રૂમ નં. 607માં પાર્ટી કરી હતી. તેનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં દારૂના ગ્લાસ અને હુક્કાના ધુમાડાની રેલમછેલ થતી જોવા મળી હતી.

આ વીડિયો વાયરલ થતા ડુમસ પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આજે શનિવારે તા. 26 ઓક્ટોબરે આ કેસમાં ડુમસ પોલીસે તેજસ અને મિહિરની ધરપકડ કરી છે. દારૂની બોટલો દમણથી લાવ્યા હોવાનો બંને આરોપીઓએ પોલીસ સમક્ષ રટણ કર્યું છે. આ મામલામાં કક્ષા અને ઝીનલ સામે પણ કાર્યવાહી કરાશે એમ ડુમસ પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝીનલ દેસાઈ દ્વારા થોડા દિવસો અગાઉ પોતાના બર્થ ડેની થર્ટી ડર્ટીના નામે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. જે અંગે નોટિસ મોકલવાની તજવીજ ચાલતી હતી. જો કે હજુ સુધી તેણીની ધરપકડ થઈ નથી. ત્યારે ફરી એકવાર જીનલ દેસાઈ કક્ષાના બર્થ ડેમાં તે બધા સાથે મહેફિલ માણતી કેમેરામાં કેદ થઈ હતી. 

Most Popular

To Top