સુરત: (Surat) ઈન્ડોનેશિયાની (Indonesia) સરકારે 1 જાન્યુઆરી 2022થી કોલસાની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં કોલસાનો (Coal) ઉપયોગ કરતા ઉદ્યોગની મુશ્કેલીઓ વધશે ખાસ કરીને બોયલરને હિટ આપવા માટે સુરતના 350 જેટલા ડાઈંગ -પ્રોસેસિંગ એકમો 80 ટકા આયાતી કોલસા પર નિર્ભર છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ (Textile) પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયાની સરકારે લિગ્નાઈટના એક્સપોર્ટ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે. તેને લીધે સુરતમાં મિલો માટેના લિગ્નાઈટના ભાવ મેટ્રિક ટન દીઠ રૂપિયા 1000થી 3300 રૂપિયા કલેરીફિક વેલ્યુ પ્રમાણે વધારો કર્યો છે. એને લીધે કાપડની ઉત્પાદન કિંમત વધશે. થર્મલ કોલસામાં વિશ્વના સૌથી મોટા નિકાસકાર ઇન્ડોનેશિયાએ તેના સ્થાનિક પાવર પ્લાન્ટ્સ માટે ઘટતા પુરવઠાની ચિંતાને કારણે લિગ્નાઈટ જેવા ઇંધણની નિકાસ અટકાવી દીધી છે.
હાલમાં દ.ગુ.ને બે સપ્તાહ ચાલે તેટલો કોલસો જ સ્ટોકમાં છે
નિકાસ પર પ્રતિબંધ પહેલાથી જ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં કોલસાની કિંમતો વધી ગઈ હતી. વેપારના અંદાજ પ્રમાણે સ્થાનિક બંદરો પરથી દક્ષિણ ગુજરાતમાં સુરત, પાનોલી, અંકલેશ્વર, દહેજ, વાપી, અતુલ, જંબુસર, ઉમરગામમાં આવેલા વિવિધ ઉદ્યોગોને રોજ અંદાજે 40,000 ટન કોલસો સપ્લાય કરવામાં આવે છે. કોલસાનો ઉપયોગ કરતા ઉદ્યોગોએ દાવો કર્યો હતો કે તેમની પાસે બે અઠવાડિયા માટે ઇંધણનો સ્ટોક છે અને જો એક સપ્તાહમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો ભાવ વધારાથી તેમને કોઈ અસર થશે નહીં. કોલસાના વિતરકોએ વધુમાં દાવો કર્યો હતો કે માંગ જોતા પુરવઠામાં અવરોધ આવશે કારણ કે ઇન્ડોનેશિયન કોલસાનો ઇંધણ તરીકે દક્ષિણ ગુજરાતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ નિર્ણયથી સપ્લાય પર અસર થશે અને જેઓએ સ્ટોક કર્યો છે તેઓને ફાયદો થશે.
કોલસાનો સ્ટોક કરનાર અને જે ઈમ્પોર્ટરનો કોલસો પ્રતિબંધ પહેલા જહાજમાં નીકળી ગયો તેમને લાભ થશે
દક્ષિણ ગુજરાત કોલ સપ્લાયર એસોસિએશન (SGCSA)ના પ્રમુખ નવીન સુરતવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, જે આયાતકારોનો કોલસોના પરિવહનમાં છે તેઓને પણ ભાવ વધારાનો ફાયદો થશે. ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ લાદ્યો તે દિવસે કિંમતો રૂ. 1,000 સુધી વધી ગઈ હતી. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સ્થાનિક બંદરો પરથી દૈનિક ધોરણે આશરે 40,000 ટન કોલસો સપ્લાય કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ, સિમેન્ટ, સ્ટીલ, પેપર અને કેમિકલ જેવા ઉદ્યોગોમાં કોલસાનો ઉપયોગ મુખ્ય બળતણ તરીકે થાય છે. હાલમાં અમારી પાસે કોલસાનો પૂરતો સ્ટોક છે. પરંતુ જો 15 દિવસમાં પુરવઠો પૂર્વવત નહીં થાય તો ભાવોમાં વધુ ગરમીનો અનુભવ થશે. આશા છે કે, કોલસા માઇનર્સ અને ઇન્ડોનેશિયાની સરકાર વચ્ચેની યોજાનારી બેઠકમાં સકારાત્મક ઉકેલ આવે.
શા માટે ઇન્ડોનેશિયન લિગ્નાઈટની વધુ ડિમાન્ડ રહે છે?…
પાંડેસરા ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલસ્યાન કહે છે કે ઈન્ડોનેશિયન કોલસા ઉપરાંત, ઉદ્યોગો ઓસ્ટ્રેલિયન અને ભારતીય કોલસાનો પણ ઉપયોગ કરે છે. ઈન્ડોનેશિયન કોલસાની સારી ગુણવત્તા અને ઇંધણ તરીકે વધુ ગરમી ઉત્પન્ન કરવાની ક્ષમતાને લીધેને કારણે પ્રોસેસિંગ ઉદ્યોગોમાં તેની ઊંચી માંગ રહે છે. “ઇન્ડોનેશિયન કોલસાના ભાવમાં ટન દીઠ રૂ. 3,300નો વધારો થયો છે. પ્રતિબંધને કારણે છેલ્લા ચાલુ સપ્તાહમાં ભાવમાં અચાનક વધારો થયો છે.