SURAT

‘તિરંગો આપણું માન, દેશનું સ્વાભિમાન’ : ઉધના બસ સ્ટેશનથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’માં છલકાયો રાષ્ટ્ર પ્રેમ

સુરત: સુરત (Surat) આઝાદીના અમૃત મહોત્સવના (Azadi ka amrit mahotsav) અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ‘હર ઘર તિરંગા’નું (Har ghar tiranga) રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના બસ સ્ટેશનથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી ‘હર ઘર તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ’તિરંગા પદયાત્રા’માં કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી અને સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલ તથા મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

આ અવસરે ગૃહ રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, દેશમાં હર્ષોલ્લાસ સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારતની ભવ્ય વિરાસત જેના ત્રણ રંગમાં સમાયેલી છે તેવા દેશના સ્વાભિમાનના પ્રતીક તિરંગાને ઘરે-ઘરે લહેરાવીને રાષ્ટ્રભક્તિના રંગે રંગાવાનો અનુરોધ કર્યો હતો. તિરંગા યાત્રાથી દેશમાં રાષ્ટ્ર પ્રેમનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઝાદીના વર્ષો પછી આજે ફરી આઝાદી સમયના જીવંત દ્રશ્યોની પ્રતિતિ થઈ રહી છે. દેશની સીમાઓને સુરક્ષિત રાખનાર જવાનો અને દેશ માટે બલિદાન આપનારા વીરોને નમન કરવાનો આ અવસર હોવાનું તેમણે કહ્યું હતું.

નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપણા ઘર આંગણે તિરંગાને આપણે જેટલાં સહજતાથી હાથમાં લઈને ફરકાવીએ છીએ તેટલા જ સહજતાથી આપણા દેશના વીરોએ આઝાદી માટે શહીદી વ્હોરી હતી. દેશની આઝાદી માટે અનેક નવયુવાનોએ જેલના સળિયા પાછળ અંગ્રેજોની જુલ્મો સહન કર્યા હતા. તિરંગાને કોઈ પણ વ્યકિત ઘર, ઓફિસ પર ફરકાવી શકે તેવી સ્વતંત્રતા વડાપ્રધાનશ્રીએ કાયદામાં સુધારો કરીને આપી છે. રાષ્ટ્ર પ્રેમના પ્રવાહમાં સમગ્ર સુરત તરબોળ બન્યું છે ત્યારે સૌ કોઈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, વિશ્વના ૧૯પ દેશમાં ભારત મારો દેશ છે એ ગૌરવ સાથે 77માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વે પદયાત્રામાં જોડાયા સૌ કોઈ શહેરીજનોનો આભાર વ્યકત કર્યો. આ કાર્યક્રમમાં દેશભકિત આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. મહાનુભવોના હસ્તે હર ઘર તિરંગા ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સૌ કોઈ મહાનુભાવોએ તિરંગા અભિયાનમાં જોડાવાનો સંકલ્પ લીધો હતો.

ઉધના ખાતે યાજાયેલ ‘તિરંગા પદયાત્રા’માં ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, પ્રવિણભાઈ ઘોઘારી, ડે. મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર શાલિનીબેન અગ્રવાલ, પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર, પૂર્વ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, કોર્પોરેટર્સ, મનપાના અધિકારીઓ-કર્મચારીઓ, હોદેદારો, પોલીસ જવાનો, શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પગપાળા ચાલીને તિરંગાયાત્રામાં સહભાગી થયા હતા.

Most Popular

To Top