SURAT

ચૂંટણી પુરી થતાં જ સુરતના બિલ્ડરો અને હીરાવાળા પર આઈટીના દરોડા

સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન પૂરું થતાંની સાથે જ સુરતમાં આવકવેરા (Surat Income Tax Department) વિભાગ ત્રાટક્યું છે. સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા શુક્રવારે વહેલી સવારથી જ બિલ્ડરો, જમીન દલાલો અને ફાઈનાન્સરોને સકંજામાં લેવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. વિભાગના 100થી વધુ અધિકારીઓ દ્વારા એક સાથે 35થી વધુ સ્થળો પર તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનના (Search Operation) લીધે શહેરના બિલ્ડર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓની ટીમ દ્વારા આજે વહેલી સવારથી શહેરના બિલ્ડર નરેશ શાહ ઉર્ફે વિડીયો, અરવિંદ બિછુંના ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્સ તેમજ જમીન વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા રમેશ ચોગઠને ત્યાં મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા 35 કરતા વધુ સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરાતા શહેરના બિલ્ડર, હીરાવાળા, ફાઈનાન્સર અને જમીનના કારોબારીઓમાં ગભરાહટ ફેલાઈ ગયો છે.

હજુ દસ દિવસ પહેલાં જ અલથાણ, વેસુના મોટા જમીન દલાલો, ફાઈનાન્સરો અને જમીનના ધંધા સાથે સંકળાયેલાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને બે અઠવાડિયામાં જ સુરત ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરી એકવાર મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા બંને રેઈડ વચ્ચે કનેકશન હોવાની ચર્ચા ઉઠી છે. અગાઉની રેઈડમાં મળેલા ડોક્યુમેન્ટ અને માહિતીના આધારે દરોડા થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

હજુ 12 દિવસ પહેલાં જ અલથાણમાં દરોડા પાડ્યા હતા
સુરત ઇનકમટેક્ષ DDI વિંગ દ્વારા શહેરના અલથાણ વિસ્તારમાં જમીનના ધંધા સાથે સંકળાયેલા અર્જુનસિંહ સોલંકી તેમજ ભરથાણાના જમીનદાર બળવંત પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમીન દલાલ ઝાંબુ શાહ તેમજ ઉત્તર ગુજરાતના એક પટેલ અટકધારી જમીન દલાલને ત્યાં પણ સર્ચની (Search) કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ તપાસ કાર્યવાહી ત્રણ દિવસ ચાલી હતી. દરોડામાં રૂપિયા 250 કરોડના જમીનોને લગતાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં હતા. ઉપરાંત 2 કરોડની રોકડ અને 5 કિલો સોનું પણ સીઝ કરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગે બુધવારે એક બેન્ક લોકર ખોલ્યું હતું, જેમાં 40 લાખની રોકડ બીજી મળી હતી.

Most Popular

To Top