સુરત : સુરત અને મુંબઇ આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા ડાયમંડ કંપનીઓ, બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં ચાર દિવસ ચાલેલા સર્ચમાં 1500 કરોડનાં ડોક્યુમેન્ટ ટ્રાન્જેક્શન, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ અને કેશ લોનને લગતાં ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. દરમિયાન આજે ચોથા દિવસે આવકવેરા વિભાગ દ્વારા 30 માંથી 26 જગ્યાએ સર્ચ કાર્યવાહી પુરી કરી છે. સુરતમાં હજી 4 જગ્યા એ સર્ચ કાર્યવાહી યથાવત રહી છે. ચાર દિવસના સર્ચમાં 15 કરોડ રોકડ-જ્વેલરી જપ્ત કરાઈ છે.
- સુરતમાં ડાયમંડ કંપનીઓ, બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં ચાર દિવસ ચાલેલા સર્ચમાં 1500 કરોડનાં ડોક્યુમેન્ટ મળ્યાં
- આવકવેરા વિભાગ દ્વારા 30માંથી 26 જગ્યાએ સર્ચ કાર્યવાહી પૂરી, 15 કરોડ રોકડ-જ્વેલરી પણ જપ્ત કરાઈ
સર્ચ ઓપરેશનમાં મોટાપાયે કાચામાં થયેલા 1500 કરોડનાં ટ્રાન્જેક્શનનાં વ્યવહારોનાં ડોક્યુમેન્ટ આવકવેરા વિભાગને હાથ લાગતાં વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં કરચોરીના ડોક્યુમેન્ટ મળતા સુરતના આવકવેરા અધિકારીઓની હવા ટાઈટ થઈ ગઈ છે. આટલા બધા ડોક્યુમેન્ટના વેરિફેકશનમાં જ મહિના કરતા વધુ સમય નીકળી જાય તેવી શક્યતા છે.
સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગના સૂત્રોના જણાવ્યાં મુજબ અરવિંદ બિચ્છુની માલિકીની ધાનેરા ડાયમંડનો સેલ પરચેઝનો મોટો વેપાર કાચામાં ચાલતો હતો. પ્રોપર્ટીનું મોટા ભાગનું ખરીદ વેચાણ પણ રોકડમાં નોંધવામાં આવતું હતું અને કેશ લોન મેળવવી, આપવી અને અન્ય ખર્ચ પણ રોકડમાં દર્શાવી હોવાનાં દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યાં છે. ધાનેરા ડાયમંડના 1000 કરોડનાં અને ભાવના જેમ્સનાં 300 કરોડના ટ્રાન્જેક્શનનાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું છે. અન્ય બિલ્ડરોને ત્યાંથી 200 કરોડના પ્રોપર્ટીનાં ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતાં.
સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના એડિશનલ કમિશનર વિભોર બદોની અને ડેપ્યુટી ડાયરેક્ટર દેવેન કેસવાલાની આગેવાની હેઠળ 100 થી વધુ અધિકારીઓની ટીમે સુરત અને મુંબઇના 30 સ્થળો પર સર્ચ કાર્યવાહી કરી હતી. જેમાં ભાવના જેમ્સ, ધાનેરા ડાયમંડ, અરવિંદ અજબાની ઉર્ફે બિચ્છુ, બિલ્ડર રમેશ ચોગઠ, નરેશ શાહ ઉર્ફે વીડિયો અને કાદર કોથમીર, હિમ્મતસિંહ, અને જનક જમીનદલાલ નામના વ્યક્તિઓને વરુણીમાં લેવામાં આવ્યાં હતાં. આ સિન્ડિકેટને ત્યાંથી મોટાપાયે જમીનોના દસ્તાવેજ, સોદા ચિઠ્ઠીઓઓ, બાનાખત, સાટાખત, શેર બજારના અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના દસ્તાવેજ, વ્યાજે નાણાં ધીરવાની ડાયરીઓ અને પાવર ઓફ એટર્નીનાં થેલા ભરી ડોક્યુમેન્ટ મળ્યાં હતાં. કુલ 14 લોકોને ત્યાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ડાયમંડ પેઢીઓને ત્યાં સર્ચ દરમિયાન સાત વર્ષના હીરા, પ્રોપર્ટી લે-વેચ અને કેશ લોનનાં ડોક્યુમેન્ટ મળ્યાં છે. ડાયમંડ પેઢીઓ દ્વારા રોકડમાં ખરીદેલી પ્રોપર્ટી, રોકડમાં લીધેલી લોન, રોકડમાં હીરાનું ખરીદ-વેચાણ, રોકડમાં લોનનાં 7 વર્ષના હિસાબી ચોપડાઓ, લેપટોપ, પેન ડ્રાઈવ જપ્ત કરવામાં આવી છે. આ બધામાં 1200 કરોડનો વ્યવહાર હિસાબી ચોપડે કે રિટર્ન દર્શાવ્યો છે કે કેમ એની તપાસ ચાલી રહી છે. ઘણી એન્ટ્રીઓ બિન હિસાબી મળી છે.
લેન્ડ ડેવલોપર કાદર કોથમીર, રમેશ ચોગઠને ત્યાંથી કરોડોની જમીનોના ડોક્યુમેન્ટ, ડાયરીઓ મળી
ન્યુ રાંદેર ગોરાટ રોડના લેન્ડ ડેવલોપર કાદર કોથમીર, બિલ્ડર્સ રમેશ ચોગઠ અને નરેશ વીડિયોને ત્યાંથી જમીન મિલકતને લગતાં દસ્તાવેજો, જમીનોનાં વેચાણના જુના દસ્તાવેજો, નાણાકીય લેવડ દેવડના કાગળો અને ડાયરીઓ મળી છે. એનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. કાદર કોથમીરને ત્યાંથી જમીનોના સાટાખત, જમીનની લે વેચના વ્યવહારને લઇ તપાસ ચાલી રહી છે. જેમના નામના ડોક્યુમેન્ટ કાદરને ત્યાંથી મળ્યાં છે તેમને સમન્સ આપી ખુલાસો કરવાની તક આપવામાં આવશે.
નરેશ વીડિયો, રમેશ ચોગઠ સાથેના જે ડોક્યુમેન્ટ મળ્યા છે. તેમાં પણ વેરિફિકેશનની કાર્યવાહી લાંબો સમય ચાલશે. અધિકારીઓએ રજિસ્ટ્રાર કચેરીથી દસ્તાવેજોને લગતી વિગતો મંગાવી છે. બિલ્ડર રમેશ ચોગઠને ત્યાં કરોડોની જમીનોના સોદાઓ અને ફાયનાન્સની ફાઇલો મળી આવી હતી. આ જમીનો કોણે વેચી, કોણે ખરીદી, બ્રોકર અને ઇન્વેસ્ટર કોણ છે? એની તપાસ ચાલી રહી છે. જમીનોનાં સોદાઓ અને ધિરાણ મેળવનારાઓમાં જે લોકોના નામ છે. તેમને સમન્સ આપીને નિવેદન નોંધવા બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ એટલી મોટી માત્રામાં મળ્યાં છે કે, વેરિફિકેશન કરવામાં અધિકારીઓને મહિનો નીકળી જશે.