સુરત: દર વર્ષે 4 જાન્યુઆરીએ ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ (World Braille Day) મનાવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુજન માટે વરદાન રૂપ કહેવાતી બ્રેઈલ લિપીના સંશોધક લુઈસ બ્રેઈલની જન્મજયંતીની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બ્રેઈલ લિપીની (Braille script) સાથે અન્ય વિદ્યાર્થીઓની જેમ ટેક્નોલોજી શીખવાડવાની દિશામાં હાલમાં રાજ્યની શાળાઓ કાર્ય કરી રહી છે.
સુરતની અંધજન શાળાના આચાર્ય મનીષાબેન ગજ્જરે જણાવ્યું કે, ‘પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં લખી શકે તે માટે શાળાકીય પરીક્ષાની સાથે જ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક રાઈટરની જરૂર હોય છે. અનેક વાર એવું થાય કે રાઈટર કોઈ સંજોગોમાં મોડેથી આવે કે પછી એની લખવાની સ્પીડના કારણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીના પેપરનું લખાણ પૂર્ણ ન થઈ શકે. તેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળામાં ગુગલ ઈન્ડીકા ફોન્ટમાં ટાઇપિંગ શીખવાડવામાં આવી રહ્યું છે. જેના થકી તેઓ પોતાનો પેપર સમયસર કોઈના પર પણ નિર્ભર રહ્યા વગર પૂર્ણ કરી શકશે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં ઓડિયો સાંભળી તમામ સૂચનાઓને સમજીને મોબાઈલ સાથે USBના માધ્યમથી કિબોર્ડ કનેક્ટ કરીને ટાઈપિંગ શીખી રહ્યાં છે. આ વર્ષે પ્રથમ વાર ધો. 9 થી 12ના 62 વિદ્યાર્થીઓની 25 માર્ક્સની બે યુનિટ ટેસ્ટ ગુગલ ફોર્મના માધ્યમથી લેવામાં આવી હતી. ત્યારે પ્રથમ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલી ઉભી થઈ હતી. પરંતુ બીજી ટેસ્ટમાં વિદ્યાર્થીઓની ટાઇપિંગ સ્પીડમાં સુધારો થયો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી શકે અને કોઈ પણ સેક્ટરમાં કમ્પ્યુટર વર્ક કરી શકે તે હેતુ સાથે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની કમ્પ્યુટર વિશેની પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવશે.’
ગુગલ ટોકબેક એપ અને કમ્પ્યુટરમાં NVDA સોફ્ટવેરની મદદથી ટાઇપિંગ કરવુ સરળ બન્યું
વિદ્યાર્થીઓ સ્વાવલંબી થાય તે માટે સામાન્ય લોકોની જેમ ગુગલ ઈન્ડીકા ફોન્ટમાં વિદ્યાર્થીઓ મોબાઈલમાં ગુગલ ટોકબેક એપ અને કમ્પ્યુટરમાં NVDA (NonVisual Desktop Access) સોફ્ટવેરના માધ્યમથી ટાઈપિંગ કરવાનું શીખી રહ્યાં છે.
NVDA આ રીતે કામ કરે છે?
NVDA એક મફત ‘સ્ક્રીન રીડર’ છે. જે દૃષ્ટિહીન લોકોને કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે. તે કમ્પ્યુટરાઈઝ્ડ અવાજમાં સ્ક્રીન પરનું લખાણ વાંચે છે. તમે માઉસ અથવા તમારા કીબોર્ડ પરના તીરો વડે કર્સરને ટેક્સ્ટના સંબંધિત વિસ્તારમાં ખસેડીને તમને જે વાંચવું છે તેને નિયંત્રિત કરી શકો છો. NVDA ટેક્સ્ટને બ્રેઇલ લિપીમાં પણ કન્વર્ટ કરી શકે છે. જો કમ્પ્યુટર વપરાશકર્તા પાસે ‘બ્રેઇલ ડિસ્પ્લે’ નામનું ઉપકરણ હોય.