SURAT

સુરત આવી એક જ અઠવાડિયામાં બિહારી યુવકે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું

સુરતઃ (Surat) સુરતમાં માસૂમ બાળકી (Girl) પર બળાત્કારની (Rape) વધુ એક ઘટના બની છે. કામધંધાની શોધમાં સુરત આવેલા એક બિહારી યુવકે એક જ અઠવાડિયામાં પોતાનું પોત પ્રકાશ્યું છે. સુરતના કોસાડ વિસ્તારમાં મિત્રના ઘરે રોકાયેલા આ બિહારી યુવકે મિત્રની પણ શરમ રાખી નહોતી અને પાડોશમાં રહેતી એક 4 વર્ષની બાળકીને ઉઠાવીને રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે ગંદું કામ કર્યું હતું.

સમગ્ર કેસની વિગત એવી છે કે, કોસાડ આવાસમાં રહેતા હેમંત નામના વ્યક્તિનો મિત્ર અકબર ઉસ્માન રાય (ઉં.વ.30) (મૂળ બિહાર) અઠવાડિયા પહેલાં તેને મળવા માટે સુરત આવ્યો હતો અને અહીં તેણે એક બાળકી પર બળાત્કાર કર્યો હતો. આ બાળકીના પિતા નાઈટ ડ્યૂટીમાં ગયા હતા અને બાળકી માતા પાસે ઘરે એકલી હતી. રાત્રે સાડા નવ વાગે બાળકી તેમના સંબંધીના ઘરે ગયા બાદ કલાક સુધી પાછી આવી નહોતી. બાળકી ઘરે નહીં આવતાં માતા તેને શોધવા નીકળી હતી.

  • બાળકી તેમના સંબંધીના ઘરે ગઈ, પછી કલાક સુધી પાછી નહીં આવતાં માતાએ શોધખોળ કરી હતી
  • બાળકીને એક અંકલ રૂમ નં.15માં લઈ ગયા હોવાનું કહેતાં માતાએ અન્ય મહિલાઓ બોલાવી રૂમનો દરવાજો તોડી અંદર ગઈ હતી

માતા બાળકીને તેમના સંબંધીના ઘરે જોવા ગઈ તો બાળકી ત્યાં પહોંચી જ નહોતી. બાજુની બિલ્ડિંગમાં ડીજે વાગતું હોવાથી ત્યાં પણ શોધખોળ કરી, પણ મળી ન હતી. દરમિયાન બાજુની બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતી છોકરીએ બાળકીને રાત્રે પોણા દસેક વાગે એક અંકલને રૂમ નં.15માં લઇ જતાં જોઈ હોવાનું કહ્યું હતું. માતાએ અંદર જઈને જોતાં રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. બાળકીની માતા અને તેની કાકીએ બિલ્ડિંગની મહિલાઓને બોલાવી દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં બાળકીને રડતી હાલતમાં જોઈ હતી. બાળકીએ ઘરે જઈને તેની માતાને જણાવ્યું હતું કે, અંકલ મને ઊંચકી રૂમમાં લઇ ગયા હતા. અને રૂમનો દરવાજો બંધ કરી ગુપ્તાંગના ભાગે અડપલાં કર્યાં હતાં. બાળકીની માતાએ આ અંગે અમરોલી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top