SURAT

દીકરીને લાફો મારવા બદલ ઠપકો આપનાર પત્નીને પતિ એ છરીના ઘા ઝીંક્યા, સ્મીમેરમાં દાખલ

સુરત: સુરત (Surat) લિંબાયતના રૂસ્તમ પાર્ક સોસાયટીમાં દીકરીને માર મારી ઘરેથી ભાગી ગયેલા પતિનો પીછો કરી ઠપકો આપનાર પત્નીને ચપ્પુના ઘા મરાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. લોહી-લુહાણ હાલતમાં જમીન ઉપર પડેલી મહિલાને સારવાર માટે સ્મીમેર (Smimer Hospital) ખસેડવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. લિંબાયત પોલીસે (Police) હુમલાખોર પતિ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં લિંબાયત વિસ્તારમાં આવેલ રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સાબેરા શકીલ હુસેન સૈયદ પર શુક્રવારના રોજ ઘર નજીક જ પતિ શકીલ હુસેન સૈયદે જીવલેણ હુમલો કરી ગળા ના ભાગે ઘા મારી દેતા સાબેરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર લવાય હતી.

સાબેરા એ પોલીસને જણાવ્યું હતું કે તે મજૂરી કામ કરી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. પતિ શકીલ છેલ્લા પાંચેક મહીનાથી કોઇ કામ ધંધો કરતા નથી. એટલે ઘર ચલાવવામાં મુશ્કેલી થતી હોવાથી બંને વચ્ચે વારંવાર ઝગડાઓ થતા આવ્યા છે. આ દરમિયાન માર મારી “તુમ ઘરસે બહાર તો નીકલો તુમકો ઓર બચ્ચો કો માર દુગા” તેવુ કહી શકીલ અવાર-નવાર ઘરમાંથી ચાલી જતો હોય છે. ગત તારીખ 4-8-2023 ના રાત્રીના આશરે આઠેક વાગ્યાના આજુબાજુ શકીલ ઘરે આવી ઘર બહાર રહીને જ ’’તુમ લોગ મેરે કો સાથ ક્યુ નહી રખતે મેરે કો નહી રખોગે તો તુમ લોગ ઘર કે બહાર નિકલોગે તો માર દુગા’” કહી ધમકી આપી રહ્યો હતો. ઘરની બહાર ઉભેલી તેની દીકરી અરબીનાને ગાલ પર થપ્પડ મારી ગલીમાં ભાગી ગયો હતો. જેથી તેનો પીછો કરી સરદાર નગર પ્લોટ નં-110 ની આગળ ગલી નં-4 જાહેર રોડ ઉપર પહોંચી“ બચ્ચો કો મારકે ક્યુ ભાગ રહા હૈ” તેવુ કહેતા શકીલે તેમની ઉપર પણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં તેમને ગળા ના ભાગે ઘા મારી શકીલ ભાગી ગયો હતો.

જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલા સાબેરા ને તાત્કાલિક રાહદારીઓ સારવાર માટે સ્વીમેર લઈ ગયા હતા. ઘટનાની જાણ લીંબાયત પોલીસને થતા તેઓ એ નિવેદન લઈ શકીલ સામે હત્યાની કોશિશ ના ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top