SURAT

હુનર હાટમાં બોલીવુડના ગાયકોને જોઈ સુરતીઓને જલસા પડી ગયા, આજે અમિત કુમારનો શો

સુરત: (Surat) બોલીવુડના ગાયકો વિપિન અનેજા અને પ્રિયા મલિકે સોમવારે હુનર હાટમાં (Hoonar Haat) તેમના ગીતો સાથે હંગામો મચાવ્યો હતો. બંનેએ સ્ટેજ ડાન્સર્સ સાથે શાનદાર ગીતો (Songs) રજૂ કર્યા હતા. સ્ટેજની સામે બેઠેલા લોકો મસ્તીના મૂડમાં આવી ઝૂમી ઉઠતાં જોવા મળ્યા હતા. કલાકારોએ સિનિયર સિટીઝન્સને સ્ટેજ પર ડાન્સ (Dance) કરવાની છુટ આપી હતી.

આજે બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર અમિત કુમાર આવતીકાલે એટલે કે 14મી ડિસેમ્બર (મંગળવાર) ના રોજ હુનર હાટમાં તેમની ગાયકીના સૂર રેલાવશે.કિશોર કુમારના પુત્ર અમિત કુમારે ઘણી સુપરહિટ ફિલ્મોમાં ગીતો ગાયા છે અને તેની પોતાની એક સ્ટાઇલ છે. મંગળવારે સાંજે સંગીત આપવા આવનાર અમિત કુમાર હુનર હાટના મંચ પરથી સુરતના લોકોનું મનોરંજન કરશે. અમિત કુમારના શો પહેલા બે ખાસ સર્કસ શો થશે. પહેલો શો બપોરે 3:30 થી 4:30 અને બીજો શો 5:30 થી 6:30 સુધીનો રહેશે. લોકો સર્કસ કલાકારોના અદ્ભુત પરાક્રમોનો આનંદ માણી શકશે. લોકો બંને પ્રોગ્રામ ફ્રીમાં જોઈ શકશે. હુનર હાટમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત છે.

પ્રથમવાર ઉત્તર પ્રદેશનો ફ્લેવર્ડ ગોળ રજૂ થયો
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખેડૂત મુસ્તુફા હસન તાજી શેરડીમાંથી જુદી જુદી વેરાયટીના ગોળ લઇને આવ્યા છે. જેમાં મગફળી અને તલનો ગોળ, માવા ગોળ, વરિયાળી ગોળ, સૂંઠનું ગોળ અને ખાંડમાંથી બનેલો ગોળ લાવ્યા છે.

કાશ્મીરમાં મળતું દુર્લભ એક કળીનું લસણ હુનર હાટમાં જોવા મળશે
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના વતની સૈયદ મુઝફ્ફર કાશ્મીરની બદામ, કેસર, અને લદાખમાં જોવા મળતું એપ્રીકોટ લાવ્યા છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરની કેનબેરી, બ્લેકબેરી અખરોટનું પણ વેચાણ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના સ્ટોલમાં કાશ્મીરમાં મળતું દુર્લભ એક કળીનું લસણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટોલના સંચાલક ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટેનો કહાવો વિનામૂલ્યે પીવડાવી રહ્યા છે. ઉપરાંત ખરતા વાળ અટકાવવા અને શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા અખરોટના ઓઇલની સારી ડિમાંડ જોવા મળતાં સૈયદ મુઝફ્ફર ખુશ ખુશ જોવા મળ્યા છે.

આ વાનગીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની
રાજસ્થાનના બિકાનેરી પાપડ, હરિયાણાના કર્નાલમાં બનતું અજમા, લીચી, બેરી, મુલ્તી, મસ્ટર્ડ અને રોઝવૂડનું મધ જે કપડાં ઉપર નાંખ્યા પછી પાણીના ટીપાની જેમ ખરી પડે છે. આ સ્ટોલ પર હિમાચલના પહાડોમાં મળતી કીડાજડી જે અનેક રોગોમાં અકસીર ગણાઇ છે અને તે ખૂબ મોંઘી મળે છે. હુનર હાટમાં કીડાજડીના પાંચ ગ્રામનો ભાવ ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. હુનર હાટમાં સેન્ટ્રલ નોર્થ અને સાઉથ દિલ્હીની વાનગીઓ કેરળના નેચરલ સ્પાઇસીસ, મધ્યપ્રદેશના મંદસોરના નેચરલ ફૂટ જ્યુસ, મહારાષ્ટ્રના ઓર્ગેનિક મસાલા, કોઝીકોડેની કોકોનટ ઓઇલ મળે છે.

કેરળનો પારંપરિક હલવો આકર્ષણનું કેન્દ્ર બન્યો
મુંબઇમાં રબરના હલવા તરીકે જાણીતા સ્વીટ જેવો કેરળમાં ટ્રેડિશનલ હલવો બને છે. જેને કોઝીકોડાન હલવો કહે છે. પાઇનેપલ, બનાના, ખજૂર, ગાજર, જેક ફ્રૂટ, પિસ્તા, ગ્રીન ચીલી અને કોકોનટના મિશ્રણ સાથે પારંપરિક હલવો બનાવવામાં આવે છે. મુંબઇનો હલવો રબરની જેમ ચાવવો પડે છે. જ્યારે આ હલવો ખૂબ સોફ્ટ હોય છે. ઉપરાંત ગોળ, ઘી, ઘઉં, ચોખા, કોકોનટ ઓઇલમાંથી બનેલો કેરળ પાક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કેરળના ત્રિવેન્દ્રમના સેફ રીના આ પ્રોડક્ટ બનાવીને લાવ્યા છે. જે એક મહિના સુધી તરોતાજા રહે છે.

નોનવેજની આ વેરાઇટીઓ શોખીનોને ખેંચી રહી છે
હૈદ્રાબાદી બિરયાની, હૈદ્રાબાદી હલીમ સહિત હૈદ્રાબાદની ૨૨ વેરાઇટી રજૂ થઇ છે. જ્યારે ઉત્તર પ્રદેશની અવધિ નોનવેજ વેરાયટી ટુંડે કબાબ, અલ્ફામ, જિંજર, તંદુરી તંગડી કબાબની સિરીઝ રજૂ થઇ છે. ઉપરાંત બાર્બેકયુની વેરાઇટીઓ રજૂ કરવામાં આવી છે. યુપીના રામપુરના ચિકન કબાબ રોલ, ચિકન ચાપલી, શામી કબાબ અને શેખ કબાબ, તરોતાજા પીરસવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top