સુરતઃ (Surat) સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) મહિલા વિશ્વ વિદ્યાલયખાતે તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ‘હુનર હાટ’ (Hunar Haat) સુરતીઓના અદ્દભૂત પ્રતિસાદ સાથે પુર્ણ થયો. 10 દિવસોમાં 17 લાખ સુરતવાસીઓએ હુનરહાટને મન ભરીને માણ્યો હતો. જેની નોંધ કેન્દ્ર સરકાર સુધી લેવાઈ હતી. રાજ્યસભાના ઉપનેતા અને કેન્દ્રીય લઘુમતિ કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતમાં હુનરહાટની જબરજસ્ત સફળતા બદલ આભાર વ્યક્ત કરતો સંદેશ આપ્યો હતો. દેશભરમાંથી આવેલા કારીગરોનો ઉત્સાહ વધારવા બદલ તેમણે સુરતીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દેશભરમાંથી આવેલા શિલ્પકાર, કારીગરોના શાનદાર સ્વદેશી ઉત્પાદનોને જે રીતે પ્રોત્સાહન આપ્યું તે અભિનંદનીય છે. પીએમ મોદીના વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પ્રભાવી રીતે અહીં સાકાર થતું દેખાયું છે. સુરતમાં આ કારીગરોનું કુંભ એતિહાસિક રહ્યું, શાનદાર રહ્યું જે માટે તમામ સુરત અને સુરતના આસપાસના લોકોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ઉપરાંત સફાઈ, સુરક્ષા વ્યવસ્થા, પોલીસ, પ્રશાસન અને ખાસ કરીને સ્કૂલની બાળકીઓએ જે રીતે વ્યવસ્થામાં પોતાનો સહયોગ આપ્યો છે તે માટે તે બધાનો આભાર માનું છું. અંતે તેમણે એક ખુબજ સરસ પ્રોત્સાહક વાક્ય સાથે પોતાની વાત સમાપ્ત કરી હતી કે, જબ હોંસલા બના લિયા ઉંચી ઉડાન કા.. તબ દેખના ફિઝુલ હૈ કદ આસમાન કા…
ભવ્ય ઉદ્દઘાટનથી શરૂ કરી આજે સુરતીઓના પ્રેમ સાથે સમાપન પામેલા ‘હુનર હાટ’ની લાખો સુરતવાસીઓએ મુલાકાત લઈ કરોડો રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઈન ઓર્ડર આપીને પણ ચીજવસ્તુઓ ઘર બેઠા મંગાવી હતી. સુરતમાં પ્રથમ વખત આયોજિત આ ‘હુનર હાટ’ના સ્ટોલધારકો, કલાકારીગરો, શિલ્પકારોને અઢળક ખરીદી કરીને તેમજ વિવિધ વ્યંજનોનો આસ્વાદ માણીને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત સર્કસના કાર્યક્રમો, સાંજના સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પૂરા ઉત્સાહ અને જોશથી ભાગ લઈને ‘હુનર હાટ’ને ભરપૂર સમર્થન આપ્યું હતું. ૧૦ દિવસ દરમિયાન લગભગ ૧૭ લાખ લોકો વનિતા વિશ્રામ પહોંચ્યા અને કરોડો રૂપિયાની ખરીદી તેમજ ઓનલાઈન ઓર્ડર બુક કરાવ્યા હતાં.
૧૦-૧૦ દિવસીય ‘હુનર હાટ’માં દેશભરમાંથી કલાકારો, શિલ્પકારો અને કારીગરોના ૩૦૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં ૨ ફૂડ કોર્ટમાં ૬૦ સ્ટોલનો સમાવેશ થાય છે. એક તરફ, જ્યાં ઘરની રોજિંદી જરૂરીયાતની વસ્તુઓના સ્ટોલ લોકોને આકર્ષિત કરી રહ્યા હતા, ત્યાં ફૂડ કોર્ટ પણ વિવિધ ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા ફૂડ સ્ટોલધારકોની સ્વાદિષ્ટ પરંપરાગત વાનગીઓ લોકોની પ્રથમ પસંદ બની હતી. લોકોએ વિવિધ પકવાનોની ખૂબ મજા માણી હતી.
હુનર હાટના સમગ્ર કેમ્પસમાં સ્વચ્છતા જાળવવા માટે ૨૦૦ સફાઈ કામદારોને તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ૨૦૦ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરાયા હતા. કાર્યક્રમના સ્થળ નજીક પાર્કિંગની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. હુનર હાટમાં, આયોજક સમિતિના ૧૦-૧૦ લોકો સ્ટોલની દરેક ગલીમાં હાજર હતા, જેઓ દુકાનદારો અને સામાન્ય લોકો સાથે સંપર્ક અને મદદમાં ખડેપગે હતા. વનિતા વિશ્રામ કોલેજની ૨૦ વિદ્યાર્થીનીઓએ હુનર હાટમાં સ્વયંસેવકો તરીકે ફરજ નિભાવી હતી. માસ્ક અને સેનિટાઈઝરની ખાસ કાળજી રાખવામાં આવી હતી. માસ્ક વગર પ્રવેશ લેનાર લોકોને આયોજકો દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા, વિવિધ સ્થળો પર સેનિટાઈઝરની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાથી પણ સતત દેખરેખ રાખવામાં આવી હતી. ક્યાંય કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી.
ધીમે ધીમે અદૃશ્ય થઈ રહેલા સર્કસના ચલણને પુનર્જીવિત કરવા અને સર્કસના ખેલોને પુનઃસ્થાપિત કરવા માટે રેમ્બો સર્કસના કલાકારોએ અદ્દભુત પરાક્રમો કરીને સુરતવાસીઓનું મનોરંજન કર્યું હતું. સાંજે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના નામાંકિત કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. સુરેશ વાડેકર, પંકજ ઉધાસ, અમિત કુમાર, સુદેશ ભોંસલે, અલ્તાફ રાજા, ભૂમિ ત્રિવેદી અને અન્નુ કપૂર જેવી બોલીવુડની ખ્યાતનામ હસ્તીઓએ પોતાની કલાકસબ પ્રસ્તુત કર્યા હતાં. ઐતિહાસિક સિરીયલ મહાભારતના પ્રસિદ્ધ અભિનેતા પુનિત ઈસ્સાર, ગૂફી પેન્ટલ, સુરેન્દ્ર પાલ અને અન્ય કલાકારો દ્વારા મહાભારતનું જીવંત મંચન કરવામાં આવ્યું હતું. ક્રાફ્ટ, ક્યુઝીન અને કલ્ચરના સંગમ સમા હુનરબાજો અને કૌશલ્યકુબેરોમાં સમગ્ર ભારતની ઝલક જોવા મળી હતી, હુનર હાટ દ્વારા હસ્તકલા, ભોજન અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું છે. તેમજ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ને વેગવાન બનાવવા માટે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રીશ્રી મુખ્તાર અબ્બાસ નકવીની દેખરેખ હેઠળ દેશભરમાં હુનર હાટનું આયોજન થઈ રહ્યું છે. સુરતમાં આ ૩૪ મો હુનર હાટ છે. જેની શરૂઆત વર્ષ ૨૦૧૬ માં થઈ હતી.