SURAT

સુરતની મહિલાએ વર્ષ 2013માં મકાન વેચવાનો વાયદો કર્યો અને 2021માં કરી આ ચાલાકી

સુરત: (Surat) ભેસ્તાન ખાતે ઉમ્મીદનગરમાં રહેતી મહિલાએ તેનું મકાન (House) વર્ષ-2013માં વેચાણ ચિઠ્ઠી કરી હોવા છતાં 2021માં પરત બીજી વ્યક્તિને 13.50 લાખમાં વેચાણ કર્યાનો સાટાખત કરી 3 લાખ પડાવ્યા હતા. મહિલાએ બાદમાં મકાનનો કબજો નહીં આપી બાકી રૂપિયા પણ લેવાની ના પાડી છેતરપિંડી (Fraud) કરતાં સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • ભેસ્તાનમાં 2013માં વેચેલું મકાન મહિલાએ વર્ષ-2021માં પરત સાટાખત કરી 3 લાખ પડાવ્યા
  • ખરીદી કરનારે બાકીના રૂપિયા લઈ મકાનનો કબજો આપવાનું કહેતાં મહિલા ઘર બંધ કરી ભાગી ગઈ

લિંબાયત ખાતે સરદારનગરમાં રહેતા 42 વર્ષીય નિઝામુદ્દીન શાહે સચિન પોલીસ સ્ટેશનમાં સઈદાબેન મુસા શેખ (રહે.,ઉમ્મીદનગર, ભેસ્તાન)ની સામે ફરિયાદ નોંધાવી હતી. નિઝામુદ્દીનની બહેન મુન્ની ભેસ્તાન ઉમ્મીદનગરમાં રહે છે. નિઝામુદ્દીન તેની બહેનને ત્યાં ગયો ત્યારે સઈદાબેનના ભાઈ નિઝામ સાથે મુલાકાત થઈ હતી. નિઝામે મકાન વેચવાનું હોવાનું કહ્યું હતું. જેથી મકાન નં.5 જોવા ગયા હતા. પરંતુ તેની કિંમત વધારે લાગતાં નિઝામુદ્દીને ખરીદવાની ના પાડી હતી. નિઝામે તેની બહેન સઈદા શેખનું પ્લોટ નં.11 સસ્તી કિંમતમાં વેચવાનું હોવાનું કહ્યું હતું. નિઝામુદ્દીનને સઈદાબેનનું મકાન પસંદ આવતાં 13.50 લાખમાં લેવાનું નક્કી કર્યું હતું. 5 માર્ચ-2021ના રોજ 1 લાખ ટોકન આપ્યું હતું.

અને તે દિવસે મકાનનો સાટાખત બનાવી આપ્યો હતો. ત્યારબાદ 2 લાખ રૂપિયા આપ્યા હતા. થોડા દિવસ પછી આ મકાનનો કબજો માંગતાં સઈદાબેને વાત ટાળી કરી બાદમાં મકાન બંધ કરી જતા રહ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મકાન વર્ષ-2013માં તેમણે અફસરખાન પઠાણને વેચ્યું હતું. અને તેની પાસેથી 60 હજાર લઈને ચિઠ્ઠી પણ બનાવી આપી હતી. આ વેચેલું મકાન તેમને બીજી વખત સાટાખત બનાવી 3 લાખ રૂપિયા લીધા હતા. બાકીના પૈસા નહીં લઈ મકાનનો કબજો નહીં આપતાં સઈદા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

Most Popular

To Top