સુરત: (Surat) શહેરના ભાગળ વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાનનો (House) સ્લેબ શનિવારે સવારે એકાએક ધરાશયી થઈ જતા નાસભાગ મચી જવા પામી હતી. મકાનમાં રહેતા પાંચ વ્યકિતઓ પૈકી ત્રણ જણા જીવ બચાવવા માટે દોડીને બહાર નીકળી ગયા હતા, જોકે એક વૃદ્ધ દંપતિ મકાનમાં પહેલા માળે ફસાઈ ગયું હતું, તેમનું ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.
- નવાપુરા કરવા રોડ ઉપર જુના મકાનનો સ્લેબ ધરાશયી થતાં વૃદ્ધ દંપતિ ફસાયું
- સવારે સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકો સલામત રીતે બહાર નીકળી આવ્યા, લાશ્કરોએ મહામહેનતે દંપતિને બહાર કાઢ્યું
પ્રાપ્ત જાણકારી મુજબ સુરતના ભાગળ સ્થિત નવાપુરા કરવા રોડ પર ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન આવેલું છે. આ ઘરમાં પરિવારના પાંચ સભ્યો રહે છે. સવારે 10 કલાકે અચાનક પહેલા માળનો સ્લેબ ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યો કે જેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા તેઓ સહીસલામત રીતે બહાર નીકળી ગયા હતા. જયારે પહેલા માળ ઉપર રહેતું વૃદ્ધ દંપતિ ધનવંતલાલ જેસીંગ ભાઈ તૈલી (ઉ.વ.92) અને તેમના પત્ની મીનાક્ષીબેન જેસીંગલાલ તૈલી (ઉ.વ.88) ઘરમાં જ ફસાઈ ગયા હતા.
ફાયર કંટ્રોલને ઘટના અંગે જાણ કરવામાં આવતા ઘાંચી શેરી, નવસારીબજાર અને મુગલીસરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, સ્લેબ તૂટવાના કારણે ત્રણ વ્યકિત પહેલા દોડીને મકાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. બહાર દોડી આવેલા વ્યકિતઓએ ફાયર વિભાગને જણાવ્યું હતું કે, પહેલા માળ ઉપર પાછળના ભાગે બેડરૂમમાં વૃદ્ધ દંપતી ફસાયું છે. લાશ્કરોએ તેમને લેડર ગોઠવીને હેમખેમ નીચે ઉતાર્યા હતા.
તિજોરીમાં રૂપિયા હોવાથી દાદીમાં નીચે ન ઉતરવાની જીદ કરતા હતા
મકાનનો સ્લેબ ધરાશાયી થયો તે વખતે મકાનમાં ફસાયેલા દંપતિમાં 88 વર્ષના દાદીમાં મીનાક્ષીબેન તૈલી પહેલા તો તેમના મકાનમાંથી નીચે ઉતારવા માટે તૈયાર જ ન હતા. તેનું કારણ તેમણે ફાયર વિભાગને જણાવ્યું હતું કે, તેમના કબાટની તિજોરીમાં રૂપિયા મુક્યા છે, તેથી તેઓ નીચે આવવા માટે આનાકાની કરી રહ્યાં હતાં. આખરે તેમને સમજાવી પટાવીને નીચે ઉતારવા માટે માનવી લેવાયા હોવાનું ઘાંચી શેરીના ફાયર ઓફિસરે જણાવ્યું હતું.