સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં સંક્રમણ વધતાં, મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો (Covid Care Center) ઉભા કરાયા છે. જે 30 એપ્રિલ સુધી ચાલુ રાખવા મનપા કમિશરન બંછાનિધી પાનીએ સૂચના આપી છે. આ ઉપરાંત અડાજણની હોટલ ગોલ્ડન સ્ટાર અને હોટલ એક્વા કોરીડોર, પીપલોદની હોટલ જીંજર, વેસુમાં હોટલ ગોકુલ સોલીટેર, વિજયા લક્ષ્મી હોલ, હોટલ સેલીબ્રેશન બેન્કવેટ એન્ડ રૂમ્સ, અઠવાલાઈન્સમાં હોટલ ક્રિષ્ના, પાલમાં હોટલ લા-વિક્ટોરીયા, રેલવે સ્ટેશન પાસે હોટલ આકાશ હોટલમાં (Hotel) કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા છે.
માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી કડક વસુલાત
સુરત : મનપા અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી 1000નો દંડ વસુલવા સામે બુમ ઉઠી હતી અને મામલો રાજકીય નેતાઓ સુધી પહોંચતા આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ સુરતના તમામ ધારાસભ્યોએ માસ્કના દંડ બાબતે કુણું વલણ દાખવવા માટે પોલીસ અને મનપાના તંત્રને સુચના આપવા માંગણી કરી હતી. જેના પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોલીસ અને મનપા કમિશનર સાથે વાતચીત કરીને લોકોને માસ્ક બાબતે દંડ કરવાને બદલે સમજાવવાની નીતી રાખવા અપીલ કરી હતી.
જેનું પાલન પણ શરૂ થયું હતું, દરમિયાન કોરોનાના સંક્રમણમાં તો સતત વધારો જ થતો રહ્યો હોય, આખરે સરકારે ફરી થુંકેલુ ચાટવું પડે તેવી સ્થિતિ થઇ છે. અને ફરીથી રાજ્યના પોલીસ વડાએ પોલીસ તંત્રને માસ્ક નહી પહેરનારાઓ સામે કડક કાર્યવાહી અને 1000નો દંડના આદેશનો કડકાઇથી પાલન કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે સુરત મનપાના તંત્રએ પણ ફરીથી કડકાઇ શરૂ કરી દીધી છે. તેમજ છેલ્લા થોડા દિવસથી 100થી 150 લોકોને જ માસ્ક માટે દંડ કરાતો હતો તે રવિવારે ફરીથી 252 પર પહોંચી ગયો છે.
શહેરમાં વધુ 545 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
સુરત: શહેરમાં છેલ્લા 11 દિવસથી પ્રતિદિન 500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 10 જ દિવસમાં શહેરમાં 5000 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. રવિવારે શહેરમાં વધુ 545 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને કુલ આંક 52,275 પર પહોંચ્યો છે તેમજ વધુ 8 મોત સાથે કુલ મૃત્યુઆંક 908 પર પહોંચ્યો છે. વધુ 549 દર્દીઓ ડિસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં કુલ 48,946 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને રીકવરી રેટ 93.63 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં 25 જાન્યુઆરીથી દરરોજ 500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્રની પણ દોડધામ વધી છે પરંતુ સંક્રમણ કાબુમાં આવી રહ્યું નથી. રાજ્ય સરકારના પણ અડધો ડઝન અધિકારીઓ સુરતમાં કોરોનાની કામગીરીમાં લગાવી દેવાયા છે તેમ છતાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 60
- વરાછા-એ 68
- વરાછા-બી 59
- રાંદેર 80
- કતારગામ 60
- લિંબાયત 69
- ઉધના 53
- અઠવા 96