સુરત: અલગ અલગ વ્યક્તિઓના ક્રેડીટ કાર્ડની માહિતી ગમે તે રીતે મેળવી સુરત શહેરની અલગ અલગ ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવી તેનુ પેમેન્ટ આ ક્રેડીટ કાર્ડ દ્વારા કરી 3.67 લખની છેતરપીંડી કરનાર આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે.
ઉમરા ખાતે કેવલધન રત્ન એપાર્ટમેન્ટમાં રહેતો 29 વર્ષીય કૌશલ વિનય ઝા પાર્લેપોઈન્ટ ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટલ મેરીયટમાં ઓફિસ ડિપાર્ટમેન્ટમાં ડ્યુટી મેનેજર છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી. ગત 11 ડિસેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન યોગેશ બંસલે મેરીયટ હોટલમાં પોતાના નામે તથા રાહુલ શર્મા તથા નિખિલ માહ્યાવંશીના નામે હોટલમાં પ્રિમિયમ રૂમ બુક કરાવ્યા હતા. રૂમ બુક કરાવ્યા તેનું પેમેન્ટ અલગ-અલગ વ્યક્તિઓના ક્રેડીટ કાર્ડથી 2.35 લાખ કર્યું હતું. તે પેમેન્ટ અન્ય વ્યક્તીઓના ક્રેડીટ કાર્ડથી કર્યું હતું. આ પેમેન્ટ બેંક દ્વારા ચાર્જબેક કરી દેવામાં આવ્યું હતું. તથા આ રીતે ઓરેંજ મેગા સ્ટ્રક્ચર લી. (ટીજીબી હોટેલ) માં પણ અન્યા વ્યક્તિના ક્રેડિટ કાર્ડમાંથી કુલ 1.32 લાખનું પેમેન્ટ કરી કુલ 3.67 લાખની છેતરપીંડી કરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી આરોપી યોગેશ વિષ્ણુભાઇ બંસલ (ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.સી-૬૦૨, શીવ અભિષેક રેસીડેન્સી, સોમેશ્વર ચોકડી, વેસુ તથા મુળ ઇશાર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો છે. આરોપીએ સુરત મેરીયોટ હોટલમાં જે આધારકાર્ડની ઝેરોક્ષ રજુ કરી તે આધારકાર્ડ બોગસ બનાવ્યો હતો. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેના પરિવારે તેને ઘરમાંથી કાઢી મુક્યો છે. અને પેપરમાં તે પરિવારના કહ્યામાં નથી તેવી જાહેર નોટિસ પણ આપી હતી. આરોપી ધોરણ 10 પાસ છે અને ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાનો શોખ પુરો કરવા માટે તેને આ ગુનો કર્યો હતો. તેની પાસે કાર્ડની વિગતો કઈ રીતે આવી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.