સુરત: (Surat) કોરોનાકાળમાં હોસ્પિટલોમાં (Hospital_ બનેલી આગ સહિતની દુર્ઘટના બાદ કોર્ટ દ્વારા હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સલામતીને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગતાં હવે સરકારની સૂચનાથી મનપા દ્વારા હોસ્પિટલ ચાલતી હોય તેવી ઇમારતોની તપાસ થઇ રહી છે. જેમાં બીયુસી (BUC) (બિલ્ડિંગ યૂઝ સર્ટિ.) અને વિકાસ પરવાનગી વગરની ૪૬ હોસ્પિટલ બુધવારે સીલ કરી દેવાતાં ફફડાટ મચી ગયો છે. મનપાના સરવે મુજબ શહેરમાં ૧૯૯ હોસ્પિટલ બીયુસી વગર ચાલી રહી છે. જેમાં પણ ૧૦૦ હોસ્પિટલ તો એવી છે કે જેમણે પ્લાન મંજૂરી બાદ વિકાસ પરવાનગી પણ લીધી નથી. બાંધકામની જ મંજૂરી હોવા છતાં ગેરકાયદે હોસ્પિટલ બનાવીને ચાલુ કરી દેવાતાં મનપા દ્વારા આજે ૪૬ હોસ્પિટલ પણ તવાઈ લાવવામાં આવી હતી. ૪૬ હોસ્પિટલ પૈકી ૯ હોસ્પિટલ સંપૂર્ણ, જ્યારે ૩૭ હોસ્પિટલ અંશતઃ બંધ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી આગળ વધારવામાં આવશે તેવું મનપા કમિશનરે જણાવ્યું હતું.
કઇ હોસ્પિટલ સંપુર્ણ સીલ કરાઇ ?
મોટા વરાછાની શ્રી હરી હોસ્પિટલ, પાસોદરમાં સ્વસ્તિક હોસ્પિટલ, લસકાણાની ક્રીસ્ટલ મલ્ટીનેશનલ હોસ્પિટલ, નાના વરાછાની નિલકંઠ જનરલ હોસ્પિટલ અને સત્યના નર્સિંગ હોમ, કતારગામ ઝોનમાં ઓમ જનરલ હોસ્પિટલ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત મઢુલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ તેમજ ઉધના ઝોનમાં બમરોલી રોડ પરની સ્વસ્તિક હોસ્પિટલ અને કલ્યાણ કુટીર સ્થિત સુષ્ટિ હોસ્પિટલ સંર્પુણ સીલ કરી દેવાઇ છે.
કયા ઝોનમાં કેટલી હોસ્પિટલ સીલ કરાઇ
- કતારગામ ઝોનમાં 6
- વરાછા એ ઝોનમાં 12
- વરાછા બી ઝોનમાં 6
- લિંબાયત ઝોનમાં 8
- ઉધના ઝોનમાં 7
- રાંદેર ઝોનમાં 7
- કયા ઝોનમાં કેટલી હોસ્પિટલ બીયુસી વગરની
- ઝોન સંખ્યા
- સેન્ટ્રલ 39
- અઠવા 1
- કતારગામ 40
- વરાછા એ 27
- વરાછા બી 12
- લિંબાયત 31
- ઉધના 42
- રાંદેર 7