સુરત: સુરતના (Surat) ડભોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારે facebook ઉપર આવેલી અજાણી મહિલાની રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી હતી. સિંંગણપોર વિસ્તારમાં રહેતો યુવક હનીટ્રેપમાં ફસાયો હતો. અજાણી યુવતીએ વિડીયો કોલ (Video Call) ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવક પાસે પણ કપડા કઢાવી તેનું મોબાઈલમાં સ્ક્રીન રેડોકીંગ (Screen Recording) કરી તેને વાયરલ કરવાની ધમકી (Threat) આપી રૂપિયા 5.65 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ પણ ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા યુવકે પોલીસમાં (Police) ફરિયાદ નોધાવી હતી. સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે ગુનો દાખલ કરી યુપીથી બે ઝડપી પાડ્યા છે.
સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા રત્ન કલાકારને ઓનલાઈન હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 5.65 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેતા સુરત સાઇબર ક્રાઈમ શેલમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા રત્ન કલાકારને facebook ઉપર એક અજાણી મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ કલાકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ચેટિંગની શરૂવાત થઈ હતી.દરમ્યાન રત્ન કલાકારને બીભત્સ વિડીયો કોલ કરી સ્ક્રીન રેકોર્ડ કરી લેવામાં આવ્યું હતું. જેમાં રત્ન કલાકારનો પણ બીભત્સ વિડીયો સ્ક્રીન રેકોર્ડ કરી બ્લેકમેલ કરવામાં આવ્યો હતો.રત્ન કલાકારને જુદા જુદા મોબાઈલ નંબરો પરથી youtube ના સંચાલક અને પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી કોલ કરવામાં આવ્યા હતા.જ્યાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપનારા વ્યક્તિએ કેસ કરવાની ધમકી આપી બ્લેકમેલ કર્યો હતો.
તેવી જ રીતે youtubeના સંચાલક તરીકે કોલ કરી youtube પર વિડિયો ન ચઢાવવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે બાદ પોતાની બદનામી પોલીસ કેસ થવાના ભયે રત્ન કલાકાર દ્વારા 5.65 લાખ રૂપિયા જેટલી રકમ આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલા બેંક ખાતામાં જમા કરાવી દીધી હતી. જોકે બાદમાં ઓનલાઈન હનીટ્રેપનો ભોગ બનેલા રત્ન કલાકારે હિંમત દાખવી સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. જ્યારે રત્ન કલાકારની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરત સાયબર ક્રાઇમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ગુનાની તપાસ કરી રહેલી સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં રોહિત કુમાર રાકેશ વાલ્મિકી અને સન્નનીકુમાર અંતું મદારી વાલ્મિકી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રોહીત કુમાર રાકેશ વાલ્મિકીના બેંક ખાતામાં 5.65 લાખ રૂપિયા રત્ન કલાકાર દ્વારા જમા કરવામાં આવ્યા હતા.જે આરોપી હાલ છૂટક મજૂરીનું કામ કરે છે.તેવી જ રીતે સની કુમાર અન્તુ મદારી વાલ્મિકી પણ છૂટક મજૂરીના કામકાજ સાથે સંકળાયેલો છે. જે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ભારતમાં અન્ય કોઈ ગુના આચર્યા હશે તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરી ગુના પણ દાખલ કરાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ આ બંને આરોપીઓના અન્ય કોઈ સાગરીત સુરતમાં છે કે કેમ તેને પણ શોધી કાઢવા માટેની તજવીજ સાયબર ક્રાઈમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.આ કેસમાં મહિલાના નામે માત્ર પ્રિ-વિડિઓ બતાવી રત્ન કલાકારને બીભત્સ હરકત કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જે કેસમાં કોઈપણ પ્રકારની મહિલા સામેલ નથી. માત્ર પ્રિ- વિડીયો બતાવી આરોપીઓ દ્વારા લોકોને બ્લેકમેલ કરવામાં આવતા હતા.
સુરત સાઇબર ક્રાઇમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે ઓનલાઇન હની ટ્રેપના બનતા ગુનાઓ અંગે લોકોને સાવચેત કરતા જણાવ્યું હતું કે, આજના ટેકનીકલ યુગમાં સેક્સટ્રોશન જેવા બનાવોમાં વધારો થયો છે.જેનાથી બચવા લોકોએ સાયબર ક્રાઈમ શેલ દ્વારા સૂચવવામાં આવેલ સૂચનોનું અત્યંત પાલન કરવું જરૂરી છે. સોશિયલ મીડિયા ઉપર અજાણી વ્યક્તિ અથવા મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારવાનું લોકોએ ટાળવું જોઈએ.. આ સિવાય કોઈ અજાણી વ્યક્તિ વોટ્સએપ કોલિંગ કરે તો તે ઉચકવા ટાળવું જોઈએ. પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પણ હંમેશા પ્રાઇવેટ અને લોક રાખવું જોઈએ અથવા તો તું ફેક્ટર ઓથેન્ટીકેશન રાખવું જોઈએ. તેમ છતાં જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમ નો ભોગ બને તો તુરંત જ 1930 નંબર ડાયલ કરી પોતાની ફરિયાદ નોંધાવી જોઈએ. સુરતના નાગરિક હોય તો તે સુરત પોલીસના કંટ્રોલરૂમ ઉપર પણ તે બાબતની જાણકારી આપી શકે છે.