SURAT

સુરતની ‘ઓપરેશન ચેન્નઈ’ની ટીમને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બે લાખનું ઇનામ જાહેર કર્યું

સુરત: (Surat) અમરોલીમાં પકડાયેલી બોગસ ચલણી નોટની (Counterfeit Currency Notes) તપાસ ચેન્નઈ સુધી પહોંચી હતી. સુરત એસઓજીની ટીમે (SOG Team) ચેન્નઈથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. આજે આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આ સાથે જ ઓપરેશન ચેન્નઈની ટીમને ગૃહમંત્રીએ 2 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

  • ઓપરેશન ચેન્નઈની ટીમને ગૃહમંત્રી ર્હષ સંઘવીએ બે લાખનું ઇનામ જાહેર કર્યું
  • ભારતીય અર્થવ્યવસ્થાની કમર તોડવા પ્રયાસ કરનાર ચેન્નઈના આરોપીને સુરત એસઓજીએ ઝડપી પાડ્યો હતો
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસની આ પ્રશંસનીય કામગીરી કરવા બદલ સરાહના કરવામાં આવી
  • ઘરમાં જ બોગસ નોટ છાપનાર સુર્યાના દસ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી
  • આરોપીએ અત્યારસુધી 10 રાજ્યોમાં 2.12 કરોડની નોટો ફરતી કરી છે

શહેરના અમરોલી વિસ્તારમાં ગત 14 તારીખે એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને એક વ્યક્તિ પાસે સંધિગ્ધ નોટ હોવાની માહિતી આપી હતી. અમરોલી પોલીસે તપાસ કરતા શાંતીલાલ ભવરલાલ મેવાડા (ઉ.વ.૩૨) અને તેના પિતરાઈ ભાઈ વિષ્ણુ મિસરીલાલ મેવાડા પાસેથી 500 ના દરની બોગસ નોટો કબજે લીધી હતી. અને તેની તપાસનો રેલો પહેલા બેંગ્લુર પહોંચ્યો હતો. જ્યાંથી પોલીસે કર્ણાટક બેંગ્લુરના માઇકલ રાઇવન ઉર્ફ રાહુલ પાસ્ક્લ ફર્નાડીઝ (ઉવ.૩૯) ને ઝડપી પાડી તેની પાસેથી 5.79 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો કબજે લીધી હતી. 3 આરોપીની ધરપકડ બાદ તેમની સઘન પુછપરછ ચાલી હતી.

આ નોટ માઈકલ સુર્યા સેલ્વારાજ (ઉ.વ.૩૬ રહે. પ્લોટ નં-૨ પ્રથમ માળ ગોવીંદસ્વામી સ્ટ્રીટ ઇશ્વરીયા નગર સેલાવોયલ ચેન્નાઈ, તામીલનાડુ) પાસેથી લાવ્યો હોવાની માહિતી મળતા તેને ઘરમાંથી વહેલી સવારે એસઓજીની ટીમે ઉંઘમાંથી ઉંચકી પાડ્યો હતો. સુર્યા ઘરમાં જ બોગસ ચલણી નોટો છાપતો હતો. તેની પાસેથી 17 લાખની ચલણી નોટ કબજે લીધી છે. આરોપીએ અત્યારસુધી 10 રાજ્યોમાં 2.12 કરોડની નોટો ફરતી કરી છે. આરોપીના પોલીસે આજે 10 દિવસના રિમાન્ડ મેળવી આ કેસમાં સઘન પુછપરછ હાથ ધરી છે. બીજી બાજું રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસની આ પ્રશંસનીય કામગીરી કરવા બદલ સરાહના કરવામાં આવી છે. તથા ઓપરેશન ચેન્નઈની ટીમને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

Most Popular

To Top