Surat Main

સુરતમાં હિજાબ વિવાદ વિરૂદ્ધ રેલી નિકળતા પહેલાં જ અટકાવી દેવાઈ

સુરત: (Surat) કર્ણાટક રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાથી શરૂ થયેલો હિજાબ વિવાદ વકરી રહ્યો છે. આ વિવાદ સુરત પહોંચ્યો છે. સુરત ખાતે એઆઈએમઆઈએમ (AIMIM) પાર્ટીના સમર્થકો દ્વારા શહેરમાં શનિવારે બપોરે ત્રણ કલાકે હિજાબના (Hijab) સમર્થનમાં રેલીનું (Rally) આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ (Police) દ્વારા રેલીને પરવાનગી આપી ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે એઆઈએમઆઈએમ સંસ્થાના પ્રમુખ વસીમ કુરૈશી અને મહિલા અધ્યક્ષ નઝમા ખાનની અટકાયત કરી હતી. બીજી તરફ રેલીનું આયોજન કરનારાઓએ રેલી મોકૂફ રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

સુરત ખાતે એક હિજાબના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા આ સંવેદનશીલ મુદ્દે રેલી યોજાય તે પૂર્વે જ રેલીના આયોજકોને નજર કેદ કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા આઈપી મિશન સ્કૂલથી ચૌક બજાર સુધી હિજાબ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ રેલીના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ આવે તેવી આશંકા હોવાને કારણે તકેદારીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા આઈપી મિશન સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં સઘન બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જોકે રેલી શરૂ કરાય તે પહેલા જ રેલી કાઢનાર કેટલાકની પોલીસે અટકાયત કરી હતી. દરમ્યાન રેલીના આયોજનકર્તાઓએ સોશિયલ મીડિયામાં રેલી મોકૂફ રખાઈ હોવાનાં સંદેશ વહેતા કર્યા હતા.

બીજી તરફ સુરતની મુસ્લિમ સમાજની મહિલાઓએ શુક્રવારે ઉન વિસ્તારમાં મૌન રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ જોડાઈ હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના ઉન વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ યુવતીઓ એકત્ર થઇ હતી અને તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગણી સાથે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુસ્લિમ યુવતીઓની રેલી સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું માધ્યમ બની હતી.

Most Popular

To Top