SURAT

ગુજરાતમાં હાઇએસ્ટ કેસ ડિટેક્ટ થયાનો સુરત પોલીસનો દાવો: આ કામગીરી બદલ 21 એવોર્ડ મળ્યા!

સુરત: (Surat) સુરત શહેરના પોલીસ (Surat City Police) વિભાગને પોલીસ ગૌરવ દિવસ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ 21 જેટલા એવોર્ડ (Award) એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ક્રાઇમ બ્રાન્ચને ચાર જેટલા એવોર્ડ મળ્યા હતા. આ ઉપરાંત ઇકો સેલ અને અન્ય પોલીસ મથકોને પણ એવોર્ડ મળ્યા હતા. કમિ. અજય તોમર (Ajay Tomar) દ્વારા ગુજરાતમાં હાઇએસ્ટ કેસ ડિટેક્શન (Highest case detection) સુરતનો હોવાનો દાવો કરાયો છે.

  • ક્રાઇમ બ્રાન્ચ, સાયબર સેલ, ઇકો સેલ અને અન્ય પોલીસમથકોને એવોર્ડ આપવામાં આવ્યા
  • પંદર મહિનામાં સુરત પોલીસની ઐતિહાસિક કામગીરી
  • કમિ. અજય તોમર દ્વારા ગુજરાતમાં હાઇએસ્ટ કેસ ડિટેક્શન સુરતનો હોવાનો દાવો કરાયો

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું હતું કે, ગુનેગારો સામે કઠોર અને મક્કમતા સાથે પાસા હેઠળ કામગીરી કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સામાન્ય માનવીને અભયદાન આપવાનું કાર્ય પોલીસ જવાનોએ મક્કમતાપૂર્વક કરવાનું છે તેમ જણાવીને શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન લેન્ડ માફિયાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરી, બળાત્કારીઓને ઝડપી ચાર્જશીટ, ગુજસીટોક હેઠળની કામગીરી, ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન, સાયબર સંજીવની હેઠળ ૩૦ લાખ નાગરિકોને તાલીમ જેવા અનેક ક્ષેત્રોમાં પોલીસે કરેલી શ્રેષ્ઠ કામગીરીને વિગતો તેમણે આપી હતી.

સુરત પોલીસને મળેલા એવોર્ડ
સુરત પોલીસ વિભાગને જે એવોર્ડ મળ્યા છે તેમાં ટ્રાફિક વિભાગને સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2021નો એવોર્ડ, ઇકો સેલ દ્વારા ભાડા ઉપર ગાડી લઇને બારોબાર વેચી નાંખવાના કૌભાંડને પકડી પાડી લાખો રૂપિયાની કિંમતની 260 ગાડી કબજે લેવાય એ બદલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે સચિન જીઆઇડીસીને પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં બાળકીને શોધી કાઢી આરોપીની ધરપકડના કેસમાં એવોર્ડ મળ્યો હતો. આવી જ રીતે પાંડેસરા પોલીસને પણ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને પકડી પાડવા બદલ એવોર્ડ મળ્યો છે. ઉમરાના વેસુ ગામમાં વિદેશી યુવતીના મર્ડર કેસને ઉકેલવા બદલ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત રીડર શાખાને ગુજસીટોક, લેન્ડ ગ્રેબિંગ, ફિગર સબમિટેડ ટુ એનસીઆરબીની કામગીરીને એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત એસઓજી, સાયબર ક્રાઇમને સાઇબર સંજીવની, જ્યારે ટ્રાફિક શાખાને ઇ-કોપ અને આઇ ફોલોની કામગીરી બદલ એવોર્ડ મળ્યા હતા. એ સિવાય અન્ય પોલીસને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top