સુરત: (Surat) સુરતના હજીરા સ્થિત દીવાદાંડીનો (LightHouse) ઇતિહાસ ટપાલ વિભાગ (Postal Department) દ્વારા ખૂબજ દિલચસ્પ રીતે રજૂ કરાશે. 21 સપ્ટેમ્બર ના રોજ હજીરા ખાતે આવેલી દીવાદાંડી ઉપર એક પરમેનેન્ટ પિકટોરિયલ કલેક્શન, (Collection) એક પીકચર પોસ્ટકાર્ડ, અને એક સ્પેશિયલ કવર ભારતીય ટપાલ વિભાગના ગુજરાત સર્કલની ખાસ મંજૂરી થી બહાર પડી રહ્યું છે. સુંદર દીવાદાંડી ૨૫ મીટરની ઊચાઇ ધરાવે છે. આશરે ૧૮૫વર્ષ જૂની આ દીવાદાંડી ઘણી ઐતિહાસિક ચઢાવ ઉતાર ની સાક્ષી છે. ૨૧ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લાઇટહાઉસ દિવસ નિમિતે હજીરાની દીવાદાંડીને એક ઉત્તમ સન્માન પ્રાપ્ત થઇ રહ્યું છે.
હજીરા પોર્ટ સુરત શહેર થી નજીક આવેલું ૧૮મી સદી ગુજરાતનું એક વિકસિત બંદરગાહ છે. બાદશાહ જહાંગીર ના સમય માં ૧૭ મી શતાબ્દીમાં બ્રિટિશરો ડચ, પોર્ટુગીઝ લોકોને વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો. અહી તાપ્તિ નદી અને દરિયાના સંગમ ના કારણે પાણી બારેમાસ હોય છે જે વહાણો ચલાવવા માટે ખૂબ ઉપયોગી હતું. વળી તે સમયે લશ્કરની દ્રષ્ટિએ પણ આ સ્થાન એક મહત્વનુ હતું. વિદેશ વ્યાપાર ની સાથે અહિયાં સાંસ્ક્રુતિક વિકાસ પણ ઘણો થયો છે. વહાણ વ્યવહારના કારણે રાત્રે અવર જવર કરવા માટે દિશા બતાવવા એક દીવાદાંડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્થળનું મૂળ નામ ધાઉ હતું. તે સમયે આ દીવાદાંડીની નજીક બ્રિટિશ અધિકારી મી.વુક્સ ની કબર આવેલી છે. કબરને ગુજરાતીમાં હજીરો કહેવામા આવે છે. પણ હજીરો માંથી અપભ્રંશ થઈ ગામનું નામ હજીરા થઈ ગયું.
ચીફ પોસ્ટમાસ્તર જનરલ ગુજરાત સર્કલ દ્વારા આ ઐતિહાસિક પ્રસંગની ચીર સ્મૃતિ માટે ટપાલ વિભાગ દ્વારા દીવાદાંડીની નજીક ની પોસ્ટ ઓફિસ (હજીરા પોસ્ટ ઓફીસ) માંથી એક ખાસ ચિત્રમય કલેક્શન રજૂ કરાશે. કાયમી પિક્ટોરિયલ કલેક્શન એ એક પોસ્ટમાર્ક છે, જે પ્રતિકૃતિ / ફોટો / ડિઝાઈન અથવા પ્રવાસી, ધાર્મિક, ઐતિહાસિક અથવા કોઈ અગત્યની જગ્યા અથવા વસ્તુને પ્રકાશિત કરતું ચિત્ર દર્શાવે છે. પિક્ટોરિયલ કલેક્શન મુખ્યત્વે પ્રવાસીઓના રસના સ્થળોને વ્યાપક પ્રસિદ્ધિ આપે છે અને તે પોસ્ટ ઓફિસોમાં આપવામાં આવે છે જે પ્રવાસી આકર્ષણના આવા સ્થળોની નજીક સ્થિત છે. પ્રયાગ ફિલાટેલિ સોસાયટી તરફથી એક ખાસ પિકચર પોસ્ટકાર્ડ રજૂ કરવામાં આવી રહ્યું છે. અને આણંદ ફિલાટેલિ સોસાયટી આણંદ તરફથી આ ઉદ્ઘાટન પ્રસંગની ચીર સ્મૃતિ જળવાઈ રહે તે માટે દીવાદાંડી ની ડિઝાઈન વાળું એક ખાસ કવર ટપાલ વિભાગ ના સહયોગ થી બહાર પાડવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સુ.શ્રી. સૂચિતા જોશી મેડમ, પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત પ્રદેશ, વડોદરા-૦૨, શ્રી જુલિયસ ફેમનડિસ, ડેપ્યુટી ડાયરેક્ટર લાઇટ હાઉસ અને લાઇટ શીપ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. આ સિવાય શ્રી અનસૂયા પ્રસાદ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિસ, દક્ષિણ ગુજરાત પ્રદેશ, વડોદરા-૦૨, સુશ્રી વર્ષા મેડમ, સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ, સુરત ડિવિઝન, સુરત-૦૧, શ્રી ધર્મેન્દ્રભાઈ, હજીરાના સરપંચ, શ્રી પ્રથમેશભાઇ, આણંદ ફિલાટેલિ સોસાયટીના પ્રેસિડેંટ, શ્રી અખિલ કુમાર, બેંગલોરથી રિટાયર્ડ કર્નલ, શ્રી હિરેન ઝવેરી, સુરતના ફિલાટેલિસ્ટ અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.