Gujarat

સુરતમાં 5 નવે.થી શરૂ થશે હજીરા-દીવ ક્રૂઝ સેવા, ક્રૂઝ પર બિયર, વ્હિસ્કી…. પણ મળશે

સુરતઃ (Surat) ખાણીપીણીના શોખીન સુરતીઓને હવે દમણ સુધી જવાની જરૂર નહીં પડે. હરવા-ફરવા સાથે જલસા કરવાની પ્રકૃત્તિ ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો માટે દિવાળી ગિફ્ટ જેવા સમાચાર છે. સુરતથી હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ (Hazira-Diu-Hazira Cruise) શરૂ કરી રહી છે. ખાસ વાત એ છે કે સમુદ્રની લહેરોનો આનંદ માણવાની સાથે સુરતીઓ આ ક્રૂઝમાં બિયર, વ્હિસ્કી, વાઇન (Beer, whiskey, wine) અને વોડકા સહિતના લિકર નો લાભ પણ મેળવી શકે છે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી. હવે તે 5 નવેમ્બરથી ફરી શરૂ થશે.

ક્રૂઝ સુરતના હજીરાથી 5 નવેમ્બરે 18ઃ30 કલાકે ઉપડી 6 નવેમ્બરે 8ઃ30 કલાકે દીવ પહોંચશે. 7મીએ 12ઃ00 કલાકે ઉપડી 8મીએ હજીરા 2ઃ00 કલાકે પહોંચાડશે. ક્રૂઝમાં 12થી 14 કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે 22ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6ઃ00 કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6ઃ00 કલાકે ફરી દીવ આવશે. સુરતથી હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના દિવસોમાં લોકો વતન જવાની સાથે તેમાં ફરવાનો પણ આનંદ માણી રહ્યા છે. ત્યારે હવે મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરશે જે સુરતીઓ માટે અનેરો લ્હાવો હશે.

ક્રૂઝમાં આ સુવિધા હશે

હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે.જોકે મુંબઈમાં એનસીબીની ક્રૂઝ પર રેઇડ બાદ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.

જાણો ટિકિટના કેટલા ભાવ હશે?

સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે.

Most Popular

To Top