સુરત: (Surat) હજીરામાં આર્સેલર મિત્તલના (ArcelorMittal) નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ(એએમએનએસ) દ્વારા રિઝર્વ ફોરેસ્ટની સર્વે નંબર 434/એ/1પીટી અને 179નો કબ્જો છોડાવવા રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, નેતા વિપક્ષ અને પ્રિન્સિપલ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને (Forest Department) લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
- કોઇ પણ કંપની માટે જમીનની પ્રપોઝલની શરત પાંચ વર્ષ માટે હોય છે. જૂની કંપની એસ્સાર દ્વારા તે શરતોનું પાલન કરવામાં આવ્યુ નથી.
- ચૌર્યાસી તાલુકા પંચાયતના સભ્યએ મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને હજીરાના સર્વે નં. 434/એ/1પીટી અને 179નો કબ્જો છોડાવવા આવેદન પત્ર આપ્યુ.
ચોર્યાસી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ બી પટેલે કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, એએમએનએસ દ્વારા હજીરામાં ફોરેસ્ટની 20.76 હેક્ટર,27.02 હેક્ટર અને 38.71 હેક્ટર જમીન પર ગેરકાયદે કબ્જો કરી દિવાલો બાંધી દેવામા આવી છે અને આ જમીન કબ્જો કર્યા પછી કંપનીને વેચાણે આપવાની માંગ પણ કરવામાં આવી છે. સર્વે નં.434/એ/1ની 20.76 હેક્ટર જમીનની મેટર સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટે જણાવ્યું છે કે ફાઇનલ જજમેન્ટ નહી આવે ત્યાં સુધી જમીન જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાળવી રાખવી. પરંતુ કંપનીએ આ જગ્યામાં હેઝાર્ડસ વેસ્ટ અને સ્લગ ડમ્પ કર્યુ છે. તેનાથી આજુબાજુના ગામોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. સર્વે નંબર 179ની 28.02 અને 38.71 હેક્ટર જમીનમાં પણ દબાણ કરવામાં આવ્યુ છે અને પાકી દિવાલોનું બાંધકામ થઇ ગયું છે.
આ બાંધકામ જિલ્લા કલેક્ટર અને વનવિભાગે અટકાવવું જોઇએ. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે કોઇ પણ કંપની માટે જમીનની પ્રપોઝલની શરત પાંચ વર્ષ માટે હોય છે. જૂની કંપની એસ્સાર દ્વારા તે શરતોનું પાલન કરવામાં આવ્યુ નથી. નિયમ પ્રમાણે ફ્રેશ સાઇટ ઇન્સ્પેક્શન રિપોર્ટ સુરત ડીસીએફ પાસેથી લેવાનો હોય છે. તેનું પાલન કરવામાં આવ્યું નથી. 12થી 13 હેક્ટર જગ્યામાં અતિક્રમણ કરી બાંધકામ પણ કરવામાં આવ્યુ છે. ફોરેસ્ટની જમીન છતા તેમની પાસે કોઇ મંજૂરી લેવામાં આવી નથી. સુપ્રિમ કોર્ટનો વચગાળાનો હુકમ હોવા છતા કંપનીએ ડમ્પિંગ ચાલુ રાખ્યું છે. તે અટકાવવું જોઇએ. આ મામલામાં એએમએનએસના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેઓ ફોન પર પ્રતિક્રિયા આપવા ઉપલબ્ધ નહતા. સુરત વનવિભાગનો સંપર્ક કરતા જવાબદાર અધિકારીએ મામલો કોર્ટમાં હોવાથી પ્રતિક્રિયા આપવા ઇન્કાર કર્યો છે.