SURAT

ઉપરવાસમાં સારો વરસાદ પડતાં હથનુર ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું

સુરત: (Surat) હવામાન વિભાગની ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે શહેરમાં માત્ર ૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ચોર્યાસી તાલુકામાં બે ઇંચ માંગરોળમાં ૩ અને બારડોલીમાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉપરવાસમાં સારો વરસાદ ખાબકતાં હથનુર ડેમમાંથી (Hathnur Dam) 32 હજાર ક્યુસેક પાણી છોડવાનું (Water Dischage) શરૂ કરાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ પર બનેલી લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવી પહોંચી છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજય, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. પરંતુ સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વિતેલા ૨૪ કલાકમાં માત્ર ૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લામાં સર્વાધિક વરસાદ ચોર્યાસી તાલુકામાં બે ઇંચ જેટલો નોંધાયો હતો. જ્યારે બારડોલી અને માંગરોળમાં પણ ૩ મીમી વરસાદ નોંધાયો છે.

આ સિવાયના તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા હતા. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની સારી એવી આવક શરૂ થઈ છે. હથનુર ડેમ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિતેલા ૨૪ કલાકમાં કુલ ૨૪૬ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ચીકલધરામાં ૪ ઇંચ, ગોપાલખેડામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. બુરહાનપુર, ટેસ્કા, ડેડતલાઈ, બુરહાનપુર, હથનુરમાં અડધો ઇંચ અને યેરલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને કારણે હથનુર ડેમમાં પાણીની આવક શરૂ થતા ડેમમાંથી ૩૨,૮૯૫ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. તો બીજી તરફ સખત ગરમી, ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને થોડી ઠંડક સાથે રાહત મળી હતી. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન જિલ્લાનું પ્રાકૃતિક વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. બે દિવસથી વરસાદ પડતા અંબિકા નદીમાં પ્રથમ વખત ડહોળા નીર વહેતા જોવા મળી રહ્યા છે.

અંબિકા નદીમાં નવા નીરનાં વધામણા થતાની સાથે જ વઘઇ નજીક આવેલો નાઈગ્રા ફોલ એવો ગિરાધોધ પૂરબહારમાં સક્રિય થઈ જતા અહીના દ્રશ્યૌ રમણીય બની જવા પામ્યા છે. વઘઇનો ગીરાધોધ બે દિવસથી સક્રિય થતા અહીનાં સૌંદર્યનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. નવસારી જિલ્લામાં છેલ્લા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. 24 કલાકમાં ખેરગામ તાલુકામાં 17 મી.મી., નવસારી તાલુકામાં 9 મી.મી., વાંસદા તાલુકામાં 5 મી.મી., ચીખલી તાલુકામાં 4 મી.મી., જલાલપોર અને ગણદેવી તાલુકામાં 1-1 મી.મી. વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top