સુરત: (Surat) વેસુ ખાતે રહેતા કાપડ વેપારીનો પુત્ર હિમાચલ પ્રદેશથી ચરસનો (Hashish) જથ્થો ટ્રેન (Train) મારફતે સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા એસઓજી પોલીસે 4.98 લાખની કિમતના 997 ગ્રામ ચરસ સાથે તેને ઝડપી પાડ્યો હતો. યુવક પોતે બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. લોકડાઉન પહેલા મિત્રો સાથે હિમાચલ પ્રદેશ ફરવા ગયો હતો અને ત્યારથી ચરસની લત લાગી હતી.
પોલીસ કમિશનર અજયકુમાર દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશ હેઠળ એસઓજીએ ડ્રગ્સ નેટવર્ક તોડી પાડવા ઘમાસાન છેડ્યું છે. હિમાચલ પ્રદેશથી બાય રોડ ડ્રગ્સ લાવવાનું નેટવર્ક પકડી પાડ્યા બાદ હવે ઘણા પેડલરો ટ્રેનમાં સક્રીય થયા છે. આ અંગે એસઓજીની ટીમને બાતમી મળી હતી. હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને એક વ્યક્તિ પોતાની ટ્રાવેલીંગ બેગમાં ચરસનો જથ્થો સંતાડી ટ્રેન મારફતે સુરત આવતો હોવાની બાતમી એસઓજીની મળી હતી. બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશનની બહાર આર્યુવેદિક ગરનાળા તરફ આવેલી કબીર હોટલની સામે વોચ ગોઠવી હતી. અને આરોપી વંશ નરેન્દ્ર બંસલ (ઉ.વ.19 રહે. ફ્લેટ નં.ડી -૨ / ૫૦૨ કેપીટલ ગ્રીન એપાર્ટમેન્ટ, કેનાલ રોડ વેસુ તથા મુળ સિકર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. વંશ પાસેથી તેની ટ્રાવેલીંગ બેગની આડમાં સંતાડી રાખેલો ચરસનો 997 ગ્રામ જથ્થો જેની કિમત 4.98 લાખ રૂપિયાનો, મોબાઈલ ફોન અલગ અલગ કલરના 7 લાઈટર, 3 સિગારેટમાં ચરસ નાખી પીવાની ભુંગળી (ફિલ્ટર) મળી કુલ 5.48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. તથા હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો અપનારને વોન્ટેડ જાહેર કરાયો હતો.
ટુરીસ્ટના બહાને હિમાચલ પ્રદેશ જઈને ચરસ લાવતો હતો
વંશ પોતે વેસુની કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. પોતે હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને જતો હતો. ત્યાંથી પોતાને પીવા માટે તેમજ સુરત શહેરમાં કોઈ ગ્રાહક મળી આવે તો તેને વેચવા માટે ચરસનો જથ્થો લાવતો હતો. પરંતુ પોતે હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં ટ્રેન મારફતે આવતા પકડાઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.
કોલેજના વિદ્યાર્થીઓના ગ્રુપમાં જ ચરસ વેચતો હતો
વંશ લોકડાઉન પહેલાથી ચરસના રવાડે ચઢ્યો હતો. ત્યારબાદ શહેરમાં અલગ અલગ સ્થળે ચરસ શોધતો હતો. બે વખત હિમાચલ પ્રદેશથી ચરસ લઈને આવ્યો હતો. આ વખતે પકડાઈ ગયો હતો. તે કોલેજ ગ્રુપમાં જ 6 હજારથી 10 હજાર રૂપિયા સુધી આ ચરસ વેચતો હતો. એટલેકે કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ ચરસ સહિતના ડ્રગ્સના રવાડે હોવાનું સ્પષ્ટ છે. માતા-પિતા માટે આ આંખ ખોલતો જીવંત કિસ્સો છે.
હિમાચલ પ્રદેશથી ચાલતા નેટવર્કમાં 5 ગુના દાખલ કરી 20 આરોપીઓ પકડાયા છે
એસઓજીએ ભુતકાળમાં હિમાચલ પ્રદેશ, ઓડીશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજયથી સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાના નેટવર્કને તોડી પાડયું હતું. જેમાં હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો ઘુસાડવાના નેટવર્કને તોડી પાડવા કુલ 5 કેસો કરી 31.10 લાખનું 8.525 કિલોગ્રામ ચરસ કબ્જે કરાયું હતું. આ ગુનાઓમાં સંડોવાયેલા પેડલરો તથા ડ્રગ્સ સપ્લાય કરતા મુખ્ય આરોપીઓને હિમાચલ પ્રદેશના અંતરીયાળ વિસ્તારોમાંથી ઝડપી પાડી કુલ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.