SURAT

હેપ્પી હોમ ગ્રૂપના બિલ્ડર પાસેથી 12 કરોડની ખંડણી કેસમાં સવાણીના આગોતરા જામીન અંગે લેવાયો આ નિર્ણય

સુરત: (Surat) હેપ્પી હોમ ગ્રૂપના (Happy Home Group) બિલ્ડર મુકેશ પટેલને (Builder Mukesh Patel) ફોન કરીને કતારગામના બિલ્ડર મુકેશ સવાણીએ 12 કરોડ રૂપિયાનો હિસાબ માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં મુકેશ સવાણીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરાઇ હતી. આ કેસની ફરિયાદની વિગતો પ્રમાણે, સુમુલ ડેરી રોડ ઉપર સરદાર સોસાયટીની પાછળ વિશ્વકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ છગનભાઇ સવાણીએ હેપ્પી હોમ ગ્રૂપના બિલ્ડર મુકેશ પટેલને ધમકી (Threat) આપી હતી કે,‘ મારુ 48 કલાકમાં બધુ પતાવી આપજે, નહીતર ભાદાણી જેવી હાલત થશે.

જાહેરમાં તમારી બંને ભાગીદારોની ઇજ્જત લઇ લઇશ. જો બે દિવસમાં નહીં પતાવો તો બંને ભાગીદારોને જાનથી મારી નાંખીશ. તમારે જે વ્યવસ્થા કરવી હોય તે કરવા માંડજો અને મારે કોને કોને લાવવાના તે બધી જ ગોઠવણ કરી દીધી છે અને આ બધી તૈયારી કરીને જ તારી પાસે આવ્યો છું. કહીને મુકેશ પટેલની પાસેથી રૂા. 12 કરોડની માંગણી કરવામાં આવી હતી. બનાવ અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને મુકેશ સવાણીએ પોલીસ પકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરીને આરોપી મુકેશ સવાણીની જામીન નામંજૂર થાય તે માટે દલીલો કરી હતી.

જણાવી દઈએ કે શહેરના જાણીતા બિલ્ડર (Builder) ગ્રુપ હેપ્પી હોમના ભાગીદાર મુકેશ પટેલની તેમની જ ઓફિસમાં ગત રવિવારે માથાભારે જમીન દલાલ તરીકે જાણીતા મુકેશ સવાણીએ પોતાના સાગરીત સાજીદ સાથે ધસી આવીને અન્ય પાર્ટી સાથે થયેલા આરજો-મારજોના વ્યવહારમાં 12 કરોડ રૂપિયાની ખંડણી (Ransom) માંગતા આ મામલે મુકેશ પટેલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બિલ્ડર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ધમકી આપનાર મુકેશ સવાણી ભૂતકાળમાં વરાછાની વસુંધરા ગેંગ સાથે સંકળાયેલો હતો
મુકેશ છગન સવાણીનો ભુતકાળ ગુનાહિત છે. મુકેશ સવાણી સામે વર્ષ 2005માં કામરેજમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. તેમજ ભુતકાળમાં વરાછાની માથાભારે વસુંધરા ગેંગ સાથે પણ જાડાયેલો હતો. જોકે હાલમાં આ ગેંગથી તેણે પોતાનો છેડો ફાડી નાખ્યો છે. મુકેશ સવાણીએ ગત 16 ડિસેમ્બર 2020ના રોજ કતારગામમાં રહેતા રમેશ શામજી વઘાસીયાને ફોન કરી સુરત રેન્જ આઈજી ઓફિસમાં પથુબા (પથુભાઈ મેરુ ભાઈ ગોહિલ) સામે કેમ ફરિયાદ લખાવી તેમ કહી બે માણસો સાથે તારા દાદર ચડી જશું અને તેમને જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ફુલપાડામાં ઓફિસ ધરાવતા રમેશ ભાદાણીનો પણ મુકેશ સવાણીએ કોલર પકડી લઈ ધમકાવી નાખ્યો હતો.

Most Popular

To Top