સુરત: (Surat) હજીરા-ઘોઘા રો-રો ફેરી (Ro Ro Ferry) સર્વિસને બમ્પર પ્રતિસાદ મળ્યો છે. ૮ નવેમ્બર ૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે શરૂ થયેલી આ ફેરી સર્વિસને ૧ વર્ષમાં ૨ લાખથી વધુ પેસેન્જરો (Passengers) મળ્યા છે. કંપનીના સંચાલક ચેતન કોન્ટ્રાકટરે કહ્યું હતું કે હજીરા-ઘોઘા ફેરી સર્વિસ પ્રથમ વર્ષે સફળ રહી છે. ૧૨ મહિનામાં કુલ ૨,૦૦,૧૭૬ પેસેન્જરોની અવરજવર રહી છે. ૩૩,૨૪૨ પેસેન્જરોએ કાર સાથે આ ફેરી સર્વિસમાં અવરજવર કરી હતી. જયારે ૧૨,૦૯૫ પેસેન્જરો બાઇક લઇને હજીરાથી ઘોઘા અને ઘોઘાથી હજીરા આવ્યા હતા. જોકે બાઇક કરતાં માલવાહક ટ્રકની અવરજવર વધુ નોંધાઇ છે. વર્ષ દરમિયાન ૧૩,૦૮૮ ટ્રકની અવરજવર ફેરી સર્વિસમાં નોંધાઇ છે.
- હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસને બમ્પર પ્રતિસાદ
- ફેરી સર્વિસને 1 વર્ષમાં 2 લાખથી વધુ પેસેન્જરો મળ્યા
- બાઇક કરતાં માલવાહક ટ્રકની અવરજવર વધુ નોંધાઇ
- વર્ષ દરમિયાન ૧૩,૦૮૮ ટ્રકની અવરજવર ફેરી સર્વિસમાં નોંધાઇ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓટોમોબાઇલ કંપનીઓ પોતાના નવા વાહનો સુરત મોકલવા માટે ટ્રકનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે શાકભાજી-ખાદ્યતેલનો જથ્થો પણ ટ્રક મારફત સુરત મોકલવામાં આવે છે. તેને લીધે ટ્રકની અવરજવરનો આંકડો મોટો જણાઇ રહ્યો છે. વર્ષ દરમિયાન આ ફેરી સર્વિસને લીધે ૧૨.૧૦ લાખ લિટર ફયુવલની બચત થઇ છે. અને હાઇવે માર્ગ કરતાં દરિયાઇ માર્ગે મુસાફરી કરવાથી ૯,૯૮,૩૬૭ કલાકોની બચત થઇ છે. વર્ષ દરમિયાન કુલ ૫૮ હજારથી વધુ વાહનોની હેરફેર નોંધાઇ છે.
- વર્ષ દરમિયાન ફેરી સર્વિસમાં આ પ્રકારનો ટ્રાફિક રહ્યો
- પેસેન્જર સંખ્યા – ૨,૦૦,૧૭૬
- કાર – ૩૩,૨૪૨
- બાઇક – ૧૨,૦૯૫
- ટ્રક – ૧૩,૦૮૮