SURAT

PM મોદીએ બે દિવસના સુરત પ્રવાસ દરમિયાન સુરતની આટલી વાનગીઓનો સ્વાદ લીધો

સુરત: (Surat) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસ માટે સુરતના મહેમાન બન્યા હતા. રાત્રિ રોકાણ સુરતના સરકીટ હાઉસમાં કરવાનો કાર્યક્રમ ગોઠવાતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વડાપ્રધાનના ડિનર (Dinner), બ્રેક ફાસ્ટ અને લંચ માટે રસોઈયાની શોધ કરી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં સંગઠનમાં કામ કરતા હતા ત્યારે અને વડાપ્રધાન થયા ત્યારે સુરતી-ગુજરાતી રસોઈ (Surti Gujarati Dish) પાક કલાના નિષ્ણાત રસોઈયા અશ્વિન પરસોત્તમ પંડ્યાએ વડાપ્રધાનને જમાડ્યા હતા. અને તે પછી છેલ્લા બે દિવસથી તેઓ સુરતના મહેમાન બન્યા ત્યારે તેમના માટે ડિનર, બ્રેકફાસ્ટ અને લંચની રસોઈ તૈયાર કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનને ડિનરમાં ગમેલી સુરતી કઢી લંચમાં ફરી રિપીટ કરી, સુરતી ઊંધિયું, લીલવાનું શાક, રતાળુ પુરી અને ફૂલકા રોટલી આરોગી હતી. સવારે બ્રેક ફાસ્ટમાં સુરતી લોચો, સેવ ખમણી, દેશી ઘીની જલેબી, લીલા નારિયેળની લસણીયા પેટીશ, ફાફડા, પપૈયાનો સંભાર, થેપલા સાથે સૂકી ભાજી, તળેલાં મરચાં, ચા, કોફી, દૂધ અને દહીં મોકલવામાં આવ્યું હતું. રસોઈયા અશ્વિન પંડ્યાએ સરકીટ હાઉસના કિચનમાં આ વાનગી બનાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના સુરત પ્રવાસ દરમિયાન સુરતી રસોઈનો આનંદ માણ્યો હતો. વડાપ્રધાનને ડિનરમાં સુરતી કઢી ખૂબ ગમતાં લંચમાં કઢી ફરી રિપીટ કરવામાં આવી હતી. ડિનરમાં તેમણે સુરતી ઊંધિયું, લીલવાનું શાક, રતાળુ પુરી અને ફૂલકા રોટલીનો સ્વાદ લીધો હતો. જ્યારે સોમવારે બપોરે લંચ માટે કઢી-ખીચડી, તુરિયાં-પાત્રાનું શાક, કોબીજ-વટાણા, ગુવારસિંગ-બટાકાનું શાક, રીંગણનો ઓળો, રોટલી, બાજરી અને ફરસાણમાં ખાંડવી મોકલવામાં આવી હતી. મોટા ભાગે વડાપ્રધાને સુરતી-ગુજરાતી રસોઈ થોડીક થોડીક આરોગી હતી.

આ રીતે વડાપ્રધાનનું ડિનર, બ્રેકફાસ્ટ, લંચ મોકલાયું
વડાપ્રધાનના ભોજન માટે એક ચોક્કસ પ્રોટોકોલ હોય છે. વડાપ્રધાનનું ભોજન એક રૂમમાં મુકાવી સર્વ કરવામાં આવે એ પહેલાં તૈયાર થયેલી રસોઈ પહેલા રસોઈયા અશ્વિન પંડ્યા, ફૂડ ઇન્સ્પેક્ટર અને અન્ય બે વ્યક્તિને ટેસ્ટ કરાવવામાં આવી હતી. એની થોડીક મિનીટો પછી વડાપ્રધાનને મોકલવામાં આવી હતી.

ત્રણથી વધુ વાર નરેન્દ્ર મોદી માટે રસોઈ બનાવી છે: અશ્વિન પંડ્યા
સુરતી રસોઈના પરંપરાગત નિષ્ણાત અશ્વિન પંડ્યા કહે છે કે, મને યાદ છે ત્યાં સુધી ત્રણથી વધુ વાર નરેન્દ્ર મોદી માટે રસોઈ બનાવી છે. તેઓ 90ના દાયકામાં ગુજરાત ભાજપમાં સંગઠનના હોદ્દા પર હતા ત્યારે સુરતનાં રૂસ્તમપુરા કાર્યાલયે રોકાયા હતા. એ વખતે સ્વ.માજી કોર્પોરેટર અશોક ડોક્ટરે નરેન્દ્રભાઈ માટે રસોઈ બનાવી આપી જવા કહ્યું હતું. રસોઈ આપવા ગયા ત્યારે ફોન પર તેમણે કહ્યું હતું, થોડો ઊંઘવા માંગું છું. અડધો કલાક પછી ભોજન લઈ આવો. બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સી.આર.પાટીલના નિવાસસ્થાને સુરતી રસોઈ જમાડી હતી. અને છેલ્લે 2014માં વડાપ્રધાન થયા પછી દિલ્હીના ગુજરાત ભવનમાં તેઓ ગુજરાતના નેતાઓ, દર્શના જરદોશ, પરેશ રાવલ, અનુરાગ ઠાકુર, હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર સાથે આવ્યા ત્યારે સી.આર.પાટીલના આગ્રહથી લીલવાનું શાક, રોટલી અને રતાળુ પુરી બનાવી હતી. જે તેમણે શોખથી ખાધી હતી. સુરતમાં બે દિવસમાં ડિનર, બ્રેકફાસ્ટ અને લંચ એમ ત્રણ ટાણાંનું ભોજન બનાવ્યું એનો આનંદ છે.

અશ્વિન અને પરસોત્તમ મહારાજની રસોઈના ચાહક ધીરુભાઈ અંબાણી પણ હતા
અશ્વિન પંડ્યા કહે છે કે, સુરતમાં રિલાયન્સનું ભૂમિપૂજન થયું ત્યારે અંબાણી પરિવાર માટે ભોજન પરસોત્તમ મહારાજ સાથે અમે તૈયાર કર્યું હતું. સેવ ખમણી, દેશી ઘીની જલેબી અને લીલા નારિયેળની પેટીશ ધીરુભાઈને ખૂબ ભાવી હતી. કોકિલાબેન, મુકેશભાઈ અને અનિલભાઇએ પણ આ હળવો નાસ્તો આરોગ્યો હતો. એ પછી તો વાર-તહેવારે અમને રસોઈ માટે કોકિલાબેન યાદ રાખી તેડાવતાં હતાં.

સુભાષચંદ્ર બોઝને પણ અમારા પરિવારે જમાડ્યા હતા
અશ્વિન પંડ્યા કહે છે કે, હરિપરામાં સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારે અમારા પરિવારના મગન દાદા અને જયંતીભાઈ આનંદ રામે બીરંજ પુરી, મઠો, દહીંથરુ અને ફરસી પુરી જમાડી હતી.

  • વડાપ્રધાન માટે બ્રેકફાસ્ટનું મેનુ
  • ચા/ કોફી દૂધ
  • લોચો
  • સેવ ખમણી
  • ઈદડા
  • જલેબી (દેશી ઘી)
  • ફાફડા
  • પપૈયાનો સંભાર
  • પેટીશ (લીલા નાળિયેર), લસણ
  • થેપલા
  • સૂકી ભાજી
  • મરચાં (તળેલાં)
  • દહીં
  • -વડાપ્રધાન માટે ડિનરનું મેનુ
  • ટોમેટો સૂપ વિથ ક્રીમ બ્રેડ, મકાઈ દાણા
    સીતાફળ રબડી – કેસર, એલચી, પીસ્તા
    સુરતી ઊંધિયુ
    પનીર-બટર મસાલા
    લીલવાનું શાક
    કાજુ–કારેલાં (કીસમીસ, ગ્રીન પીસ)
    ઘૂઘરા (લીલવાના)
    રતાળુ પુરી
    દૂધીના મૂઠિયા
    ફૂલકા રોટલી/ બાજરીના રોટલા માખણ
    દહીં
    ગોળ
    ગ્રીન ચટણી
    લસણની ચટણી
    ખજૂરની ચટણી
    લીંબુનું અથાણું-કેરીનું ચથાણું
    શેકેલાં પાપડ
    ગ્રીન સલાડ
    ભાખરી
    કઢી (સુરતી)
    ખીચડી (સાદી)
    દહીંનો ઓળો
    રીંગણનો ઓળો

Most Popular

To Top