સુરત: ગુજરાત ખેડૂત સમાજની (Gujarat farmers society) ઓફિસનું ડીમોલેશન (demolition) કરી ગેરકાયદેસર (Illegal) રીતે હોદ્દેદારોને અટકાયત કરી સબ જ્યુડિસિયલ સિવિલ મેટરમાં માથું મારવા બદલ પોલીસ (Police) અધિકારીઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી પગલાં ભરવા મુખ્યમંત્રીને લેખિત માં ફરિયાદ (FIR) કરવામાં આવી છે. એટલું જ નહીં પણ સહકાર કાયદાઓનો ખુલેઆમ ભંગ કરવા બદલ ધી પુરૂષોતમ ફાર્મર્સ કો ઓપરેટિવ જીનીંગ એન્ડ પ્રેસીન્ગ સોસાયટી લિ.ના સંચાલકો/હોદ્દેદારો સામે સહકાર વિભાગના કાયદાઓ અનુસાર પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ ખેડૂત સમાજે વિવિધ માગણીઓ કરી ન્યાય આપવા અપીલ કરી છે.
ખેડુત અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે, ખેડૂત સમાજ ગુજરાત 1972 થી રાજ્યના ખેડૂતોના હિતમાં કાર્યો કરતું સંગઠન છે. આ સંગઠનમાં ખેડૂતોના હિતના વાત કરનાર પીઢ અને જાણીતા લોકો વર્ષોથી કાર્યરત છે. રાજ્યમાં ખેતી અને ખેડૂતોની વાત માટે સતત આ સંસ્થા લડત આપતી આવી છે અને ખેડૂતોના હિતમાં રજૂઆતો કરતી આવેલ છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે અને મોટા વિસ્તારોમાં થતાં અન્ય હેતુઓના જમીન સંપાદન, પાઇપલાઇન, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન લાઇનના આરઓયુમાં ખેડૂતોને નુકશાન, ખાતર તેમજ અન્ય ખેતીના વપરાશના સાધનોના ભાવ વધારા, બજાર ભાવ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો, ખેતીમાં પાક નુકશાન વિગેરે વિવિધ મુદ્દે કાયદાની મર્યાદામાં ખેડૂત હિતમાં રજૂઆતો, આંદોલનો, માંગો મૂકી ખેડૂતોને ન્યાય અપાવવા માટે સતત કાર્યરત છે.
વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલ પુરૂષોતમ ફાર્મર્સ કો ઓપરેટિવ જીનીંગ એન્ડ પ્રેસીન્ગ સોસાયટી લીના કમ્પાઉન્ડમાં આવેલ મકાનમાં રૂમ નંબર 3 અને 4 તા 6-2-2017 થી 51 વર્ષના ભાડાપટ્ટે ગુજરાત ખેડૂત સમાજને ઓફિસ બનાવવા માટે લેખિત કરાર કરી આપેલો છે. જેનું ભાડું નિયમિત આપતા હતા અને કોઈ શરતભંગ કરયો નથી. વધુમાં ઉમેર્યું હતું કે, પુરૂષોતમ ફાર્મર્સ કો ઓપરેટિવ જીનીંગ એન્ડ પ્રેસીન્ગ સોસાયટી લી.ના સંચાલકોએ આ મકાન ભયજનક છે તેવી ખોટી રજૂઆત કરી એસએમસી પાસે નોટિસ અપાવી હતી. જે મુજબ અમોએ સરકાર માન્ય ઇજનેર પાસે આ મકાન સુરક્ષિત હોવાનું સર્ટિ મેળવી લીધુ હતું.
આ બાબતે બે દાવા સિવિલ કોર્ટ સુરતમાં ખેડૂત સમાજ અને મંડળી વચ્ચે ચાલતા હોવા છતાં ગેરકાયદેસર રીતે પોલીસ વિભાગનો છુપો સાથ સહકાર લઈ મંડળીના હોદ્દેદારો દ્વારા આ 29-8-2023 ના રોજ ઓફિસ તોડી પાડવામાં આવી છે. આ માટે પોલીસ બંદોબસ્ત મંડળીએ મેળવતા અમોએ પણ આ સિવિલ કેસ હોય અમોને પોલીસ બંદોબસ્ત પણ આપવાની માંગ મુકી હતી. જેને પોલીસે ધ્યાને લીધી ન હતી. શરૂઆતમાં ઉપસ્થિત અધિકારીઓ જેમાં બે પોલીસ ઇન્સ્પેકટર અને ACP કહેતા હતા કે ફક્ત સીલ મારવાનું છે એનો વિરોધ કરતાં અમોને ડિટેન કરી લેવાયા હતા. અમારા ડિટેન્શન સમય ગાળા દરમિયાન આ ઓફિસ બુલડોઝરથી તોડી નાખવામાં આવી હતી. જેમાં અમારું કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફ્રીઝ, એસી, સંસ્થાનું તમામ રેકર્ડ, કોર્ટમાં ચાલતા કેસ બાબતેના તમામ પેપર્સ તેમજ અમારા અસલ ડોક્યુમેન્ટ આ કામગીરીમાં નાશ પામ્યા છે જેમાં રાજ્યના ખેડૂતોને નહીં પુરાય તેવું નુકશાન થયુ છે. આ માટે તાત્કાલિક પોલીસ ડિટેન્શન માંથી લેખિત FIR નોંધવા ફરિયાદ કરી હતી.