SURAT

આજે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ, રિટર્નિંગ ઓફિસોમાં ધમધમાટ

સુરત: (Surat) આગામી તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં (Election) ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ મુદત આવતીકાલ તા.14મી નવેમ્બરને સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીની છે. સુરત શહેર જિલ્લાની (Surat District) 16 વિધાનસભા બેઠકો પૈકી અનેક બેઠકો પર ત્રણેય મુખ્ય હરીફો, ભાજપા, કોંગ્રેસ અને આપ પાર્ટી ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારો (Candidate_ આવતીકાલે સોમવારે ફોર્મ ભરવા માટે જુદી જુદી રિટર્નિંગ કચેરીઓ પર કાર્યકરોના ધાડેધાડા લઇને ઉમટી પડશે.

  • આજે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ, રિટર્નિંગ ઓફિસોમાં ધમધમાટ જોવા મળશે
  • ભાજપ, કોંગ્રેસ, આપના અનેક ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી હોવાથી સાંજ સુધી કચેરીઓમાં કાર્યકરોનો ધસારો જોવા મળશે

સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ આવતીકાલ તા.14મીએ ઉમેદવારી કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડશે એવી ગણતરી સાથે પોલીસ અને અન્ય કચેરીઓને સંકલનમાં રાખીને વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું છે. આવતીકાલે જે કોઇ ઉમેદવાર ઉમેદવારીપત્ર ભરવા જશે એ પોતાની સાથે ફક્ત અને વધુમાં વધુ ચાર જ સમર્થકો, ટેકેદારોને રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં લઇ જઇ શકશે. બાકીને કાર્યકરોને જે તે સંકુલની બહાર જ ઉભા રહે તે માટે પોલીસ તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

હવે પછીની પ્રક્રિયાઓ

  • તા.15મી નવેમ્બર 2022ના રોજ ફોર્મ ચકાસણી
  • તા.17મી નવેમ્બર 2022 ઉમેદવારી પરત ખેંચી શકાશે
  • મતદાનની તારીખ 1લી ડિસેમ્બર 2022
  • મતગણતરીની તારીખ 8 ડિસેમ્બર 2022

નવસારી જિલ્લામાં મતદાર જાગૃતિ માટે મેરેથોન, સિગ્નેચર ડ્રાઈવ, રેલી સહિતના કાર્યક્રમો થશે
નવસારી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠક પર આગામી 1લી ડિસેમ્બરે મતદાન થનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં જિલ્લાભરમાં મતદાન જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા મતદાન મેરેથોન (સાયકલ), તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરિવારને મતદાન માટે પત્ર, તમામ તાલુકા મથકે સાયકલ / મોટર સાયકલ રેલી, સંબંધિત તમામ શાળાઓ દ્વારા એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મતદાન જાગૃત્તિના કાર્યક્રમો અને તમામ શાળાઓમાં શિક્ષકો-વાલીઓ અને દરેક સરકારી કર્મચારીઓ મતદાન માટે સંકલ્પ લેશે.

નવસારી સહકારી મંડળીઓની રજિસ્ટ્રાર કચેરી અને નવસારી જિલ્લા પંચાયતની સહકાર શાખા દ્વારા જિલ્લાની સહકારી અને દૂધ મંડળીઓના દ્વારા મતદાન જાગૃત્તિ અને વિવિધ મંડળીઓ, બજાર સમિતિઓ દ્વારા જાગૃતિ સંદેશ, પ્રાંત ઓફિસરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો દ્વારા તાલુકા મથકોએ સિગ્નેચર ડ્રાઈવ, મતદાન સંદેશા પ્રસારણ (લોકલ ચેનલ મારફતે) અને તાલુકાના મુખ્ય મથકે રન ફોર વોટ , શેરી નાટક અને પપેટ શો દ્વારા મતદાન જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવશે.

Most Popular

To Top