સુરત: સુરતની જીએસટી કચેરીમાં વિચિત્ર ઘટના બની છે. અહીં કરચોરીના ગુનામાં પકડાયેલો માલસામાન કોઈ ચોરી ગયા છે. જીએસટી દ્વારા જપ્ત કરાયેલો માલ ચોરો જીએસટીની ઓફિસમાંથી જ ચોરી ગયાની આ ઘટનાએ બધાને ચોંકાવી મુક્યા છે. (Surat) નાનપુરા ડચ ગાર્ડનની સામે જીએસટીની (GST) ઓફિસના પાર્કિગમાંથી જપ્ત કરેલા વાહનમાંથી અજાણ્યા 29.10 લાખના કોપરની (Copper) ચોરી (Theft) કરી બીજા ભંગાર (Scrap) મુકી ગયાની ફરિયાદ (Complaint) અઠવા પોલીસમાં (Police) નોંધાઈ છે. જીએસટીના અધિકારી-કર્મચારીઓની સાંઠગાંઠમાં જપ્ત માલ ચોરાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
પૂણા યોગીચોક ખાતે પ્રમુખસાયા સોસાયટીમાં રહેતા વિપુલ મનસુખભાઇ દેસાઈ રાજ્યવેરા અધિકારી છે. તેમના દ્વારા અઠવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યાઓ સામે જીએસટી કચેરી દ્વારા જપ્ત કરવામાં આવેલી ટ્રકમાંથી 29.10 લાખના કોપરની ચોરીની ફરિયાદ નોંધવવામાં આવી છે. જીએસટી વિભાગે ગત નવેમ્બર 2021 ના રોજ કામરેજથી (MH-04-GC-1557) નંબરની ટ્રક પકડી હતી. આ ટ્રકમાં કોપર ધાતુ હતી. વેપારી દ્વારા ટેક્સ ચોરી કરીને આ કોપરનું પરિવહન કરાતું હોવાથી જીએસટી વિભાગે આ ટ્રક પકડી પાડી હતી. અને વેપારીને તેનો ટેક્સ ભરીને ટ્રક છોડાવી જવા માટે સૂચના આપી હતી. પરંતુ વેપારી નહીં આવતા ટ્રકને ડચ ગાર્ડન સામે આવેલા જીએસટી ભવનના પાર્કિંગમાં પાર્ક કરાઈ હતી. બાદમાં વેપારીને ઇ-મેઇલ દ્રારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 20 નવેમ્બર 2021 ના રોજ જી.એસ.ટી. કાયદાની કલમ હેઠળ વાહન ડીટેઇન કરાયું હતું. ત્યારબાદ માલ તથા વાહનને રાજ્યસાત તરીકે જપ્ત કરવા અંગેનો આદેશને પસાર કરતા પહેલા 5 ડિસેમ્બર 2021 ના રોજ માલનું ફીઝીકલ વેરીફીકેશન કરાયું હતું. જેમાં વાહનમાં રાખેલા કોપરના સ્ક્રેપ 4279.61 કિલોગ્રામ ઓછુ થયુ હોવાનું તથા 2257.98 કિલોગ્રામ સ્ક્રેપ મુકી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અઠવા પોલીસે 29.10 લાખના કોપરના સ્ક્રેપની ચોરી કરી બીજા ભંગાર મુકી ગયાની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
જીએસટી ભવનના પાર્કિંગમાં જ સીસીટીવી નથી
સરકાર દ્વારા તમામ સરકારી અને ખાનગી ઇમારતોમાં સીસીટીવી લગાડવા આગ્રહ કરાય છે. પરંતુ ખાનગી ઇમારતો પર સીસીટીવીનો આગ્રહ કરતી સરકારી કચેરીની પાર્કિંગમાં જ સીસીટીવી નથી. જીએસટી વિભાગની પાર્કિંગમાં ન તો સીસીટીવી હોય છે કે ન સિક્યોરિટી ગાર્ડ રાત્રે હોય છે.