સુરત : (Surat) ચકચારીત ગ્રીષ્મા (Grishma) હત્યા (Murder) કેસમાં ગુરૂવારે ફેનિલના (Fenil) વકીલે દિલ્હી હાઇકોર્ટના જજમેન્ટના આધારે વધુ સાક્ષીઓ નહીં તપાસવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી નામંજૂર કરી હતી, આ સાથે જ આજે ટ્રાયલના બીજા દિવસે 9 પંચસાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, હવે આવતીકાલે ઘટના સ્થળના સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. કોર્ટમાં આજે એક મહત્વપૂર્ણ ઓડિયો ક્લીપ (Audio Clip) કબ્જે કરી તેના સાક્ષીઓની જૂબાની લેવામાં આવી હતી. તેમાં માસીના દિકરાને પોતાના જીવ બચાવવા માટે હત્યા સ્થળ પર તાત્કાલિક આવવા માટે વિનંતી કરી હતી.
- દિલ્હી હાઇકોર્ટના જજમેન્ટના આધારે ફેનિલના વકીલે પાંચ કરતા વધુ સાક્ષીઓ નહીં તપાસવાની માંગણી કરી હતી
- ટ્રાયલના બીજા દિવસે 9 સાક્ષીની જુબાની લેવાઇ, આવતીકાલે ઘટના સ્થળના સાક્ષીઓની જુબાની થશે
આ કેસની વિગત મુજબ તા. 12મી ફેબ્રુઆરીએ પાસોદરા ગામમાં સરાજાહેર ગ્રીષ્મા વેકરીયાનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે કાપોદ્રામાં રહેતા ફેનિલ ગોયાણીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. હાલમાં આ કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે, આજે આ કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલા જ ફેનિલના વકીલ ઝમીર શેખે કોર્ટમાં દિલ્હી હાઇકોર્ટનું જજમેન્ટ રજૂ કર્યું હતું, અને આ ગંભીર ગુનામાં એક જ દિવસમાં વધુ સાક્ષીઓ તપાસી શકાય નહીં તેવી દલીલો કરી હતી. જેની સામે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અરજીનો વિરોધ કરીને અરજી નામંજૂર કરવા જણાવ્યું હતું.
સુરતની કોર્ટના મુખ્ય જિલ્લા ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો બાદ આ કેસમાં ચાર્જશીટ દાખલ થયાથી આજદિન સુધી કોર્ટમાં થયેલી કાર્યવાહી જણાવીને અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ સાથે જ આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આજે પ્રથમ દિવસે ગ્રીષ્માના કપડા સહિતની જે વસ્તુઓ કબજે કરી તેના સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ટ્રાયલના બીજા દિવસે કુલ્લે 9 જેટલા સાક્ષીઓની જુબાની લેવાઇ
હતી. જેમાં ગ્રીષ્માની હત્યા બાદ જે ઓડિયો અને વીડિયો વાઇરલ થયા હતા તે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. હવે આવતીકાલે શુક્રવારે ઘટના સ્થળના સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.
સગી માસીના દિકરાને ફોન કરીને ફેનિલે તેને હત્યાના સ્થળ પરથી લઇ જવા કાલાવાલા કર્યા
આજની ટ્રાયલ દરમિયાન સરકાર પક્ષે મહત્ત્વના ગણાતા પંચ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જેમાં ફેનિલે ગ્રીષ્માની હત્યા કર્યા બાદ તેના માસીના પુત્ર આકાશને ફોન કરીને કહ્યું હતું કે, ‘મેં તેની હત્યા કરી નાંખી છે, મારી જાનને નુકસાન થાય તેમ છે, તું જલ્દી આવ’. પોલીસે આ મોબાઇલ ફોન કબજે લીધો હતો. આ મોબાઇલ ફોનનું પંચનામું કરનાર બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને આ બંને સાક્ષીઓએ મોબાઇલ ફોન તેમજ ઓડિયો ક્લીપ ઓળખી બતાવી હતી. આ ઉપરાંત હત્યાનો વીડિયો જે મોબાઇલમાં શૂટ થયો હતો. તે મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યો હતો અને તે અંગેનું પંચનામુ કરતી વખતે સરકારી પંચોનો ઉપયોગ કરાયો હતો. આ સાક્ષીઓએ પણ મોબાઇલ ફોન તેમજ વીડિયો ક્લીપને ઓળખી બતાવી હતી.