સુરત: (Surat) સુરતના ઘરેણા સમાન ઐતિહાસિક ગોપીતળાવનો (Gopi Talav) પ્રોજેકટ સાકાર થયા બાદ તેની આજુબાજુના ન્યુસન્સ હજુ દુર થયા નથી તેમજ મનપા (SMC) દ્વારા ઝુંપડપટ્ટી હટાવીને ખાલી કરાવાયેલી જમીનનો પણ યોગ્ય ઉપયોગ થયો નથી તેથી ફરી દબાણો થવા માંડ્યા છે ત્યારે ગોપીતળાવના પ્રવેશદ્વારની નજીકમાં બનેલી મદ્રેસા ગેરકાયદે (Illegal madrassas) હોવાની ફરિયાદ સાથે ડિમોલિશનની (Demolition) માંગ ઉઠી છે, ત્યારે શુક્રવારે સ્થાનિક નગરસેવકો દ્વારા પણ આ મદ્રેસા ગેરકાયદે હોવાનું જણાવી ડિમોલિશન કરવાનો આદેશ આપવા માંગ કરી હતી. જો કે જે જમીનની વાત છે તે, સિટી સર્વે નં-3/4936 તથા 4939 વાળી જમીન ઉપર બનેલી મદ્રેસાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે.
- ગોપીતળાવ નજીક મદ્રેસાના ગેરકાયદે બાંધકામનો વિવાદ : ડોકયુમેટન્ટ સાથે હાજર થવા મેયરનું અધિકારીઓને તેડુ
- કોટ વિસ્તારના અમુક નગર સેવકોએ મદ્રેસાનું બાંધકામ તોડી પાડવા મેયર સમક્ષ રજૂઆત કરી
- જો કે વકફનો મામલો હોવાથી મેયરે સ્થાનિક નગર સેવકો અને અધિકારીઓ સાથે મીટીંગ બોલાવી
આ મિલકત સિટીસર્વેના ચોપડા પર ખાનગી માલિકીની હોવાનું જણાવાઇ રહ્યું છે. તેથી જ ડિમોલિશન માટે પોલીસ પણ બંદોબસ્ત નહીં આપતી હોવાનું અન્ય એક નગરસેવક દ્વારા મેયરને પોલીસના પત્ર સાથે જાણ કરીને મનપાથી કાચુ ના કપાઇ જાય તેનું ધ્યાન રાખવા ધ્યાન દોરાયું હતું. જો કે આ મદ્રેસા પાલિકાની જમીન ઉપર છે કે ખાનગી માલિકીની છે? તે અંગે ગુંચ ઊભી થતાં હવે મદ્રેસા પર ચણી દેવાયેલો માળ ગેરકાયદે હોવાનું જણાવી માળ તોડી પાડવા માંગ ઊઠી છે. જોકે મેયરે આ ધાર્મિક સ્થળ સામે કાર્યવાહી પહેલાં સ્થિતિ સ્પષ્ટ કરવા આવતીકાલ શનિવાર 12 વાગ્યે અધિકારી તથા કોર્પોરેટરોની એક બેઠક બોલાવી તમામ ડોકયુમેન્ટ ચકાસ્યા બાદ આગળ વધવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લખનીય છે કે, કોટ વિસ્તારમાં ઇલેકશન વોર્ડ નં-3ના સિટી સર્વે નં- 4936 તથા 4939એ વાળી જમીનમાં મદ્રેસા ચાલે છે. જો કે જ્યારે ગોપીતળાવ ઝુપડપટ્ટીના ડિમોલિશન થયું ત્યારે અન્ય મિલકતોની જમીનની જેમ આ જમીન ગોપીતળાવના ગેટની એકદમ નજીક હોવા છતાં કેમ સંપાદનમાં ના લેવાઇ ? અથવા તો સંપાદનમાં લેવાઇ હોય તો સિટી સરવેમાં હજુ કેમ ખાનગી માલિકી બોલે છે, તે ગુંચ ઉભી થઇ છે.
મદ્રેસાને લઇ વકફ તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ચાલતો હોવાથી પોલીસે બંદોબસ્ત ન ફાળવ્યો: નગરસેવકની મેયરને રજૂઆત
આ મદ્રેસા મનપાએ સંપાદન કરેલી જમીન પર હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જે અંગે ફરિયાદો બાદ તેને તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો તો પોલીસે મનપાને પત્ર લખીને વકફમાં રજિસ્ટર્ડ આ મદ્રેસાને લઇ વકફ તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ચાલતો હોવાથી પોલીસ બંદોબસ્ત નહીં આપી શકાય તેવું જણાવ્યું હોવાનું ખુદ આ વિસ્તારના એક નગર સેવકે મેયરને જણાવ્યું છે. ઉપરાંત મનપાના વહીવટીતંત્ર દ્વારા અપાયેલી માહિતી મુજબ આ મિલકત 1967 પહેલાની તેમજ સિટી સર્વેના રેકર્ડ પ્રમાણે ખાનગી હોવાની અને પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના રેકર્ડ પ્રમાણે સરકારી હોવાનું જણાય છે તેમજ આ જમીનનો એવોર્ડ જે તે વખતે ચુકતે કરી કલેક્ટર પાસેથી જમીન મેળવાઇ હતી પરંતુ તેની દુરુસ્તી કરવાની રહી ગઇ હોય શકે’ તેવી શંકા છે ઉપરાંત મિલકતના વિવાદમાં વકફ બોર્ડનો પણ અભિપ્રાય મેળવાયો છે. એક વખત વકફ બોર્ડ સ્થળ તપાસ પણ કરી ગયું છે અને આગામી 15-16મી ફેબ્રુઆરીએ વકફમાં સુનાવણી પણ હોવાનું જાણવા મળી રહ્યુ હોય મામલો ગુંચવાયો છે. તેથી હવે મેયર સાથે મીટીંગ બાદ મનપાનું તંત્ર શું કરે છે તે જોવુ રહ્યું.